દુનિયામાં બે પ્રકારના લોકો તમારું નામ ક્યારેય ભૂલતા નથી એક જે તમને પ્રેમ કરે છે, અને બીજા જે તમને નફરત કરે છે. પણ સત્ય એ છે કે પ્રેમ કરનારા કદાચ વ્યસ્તતામાં તમને યાદ કરવાનું ભૂલી જાય, પણ નફરત કરનારા તો ચોવીસ કલાક તમારા જ વિચારોમાં જીવે છે. તેઓ તમારી પ્રગતિના એવા ચોકીદાર છે જેમના પગાર વગરના સીસીટીવી કેમેરા હંમેશા તમારા પર તૈનાત હોય છે.
નફરત એ અસલમાં સ્વીકાર ન કરી શકેલી ‘પ્રશંસા’ છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી બરાબરી નથી કરી શકતી, ત્યારે તે નફરતનો સહારો લે છે. ઇર્ષ્યા એ વાતનો પુરાવો છે કે તમે જીવનમાં એ સ્થાન હાંસલ કર્યું છે જે મેળવવાનું સામેવાળી વ્યક્તિનું સપનું હતું.
એક તેજસ્વી લેખક કે વક્તા જ્યારે કોઈ સભામાં પોતાના વિચારો રજૂ કરે, ત્યારે સભામાં બેઠેલા કેટલાક લોકો મૌન રહીને તેની ભૂલો શોધવાનો પ્રયત્ન કરશે. તેઓ ઘરે જઈને પણ એ વક્તાના શબ્દોનું વિશ્લેષણ કરશે. શા માટે? કારણ કે તે વક્તાનો પ્રભાવ એટલો મોટો હતો કે તે વિરોધીના મગજ પર સવાર થઈ ગયો છે. નફરત કરનાર વ્યક્તિ તમારી દરેક નાની વાતનું અવલોકન કરે છે, જે સાબિત કરે છે કે તે તમારો ‘સૌથી મોટો ફેન’ છે, જે આ વાત સ્વીકારતા ડરે છે.
આજના ડિજિટલ યુગમાં ‘ફોલોઅર’ એટલે માત્ર બટન દબાવનાર વ્યક્તિ નહીં, પણ જે તમારી હિલચાલ પર સતત નજર રાખે તે. ટીકાકારો તમારા જીવનના એવા ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર’ છે જેમને તમારી સફળતા પચતી નથી, છતાં તેઓ તમારી એક પણ પોસ્ટ કે એક પણ સિદ્ધિ જોવાનું ચૂકતા નથી. તેઓ તમારી ટીકા કરવા માટે પણ તમારા વિશે પૂરેપૂરી માહિતી એકઠી કરે છે. આમ, અજાણતા જ તેઓ તમારા જીવનના સૌથી વફાદાર પ્રેક્ષકો બની જાય છે.
બ્રાન્ડિંગની દુનિયામાં કહેવાય છે કે, “તમારા વિશે વાત થવી જોઈએ, ભલે તે વિરોધમાં કેમ ન હોય.” જ્યારે કોઈ તમારી નિંદા કરે છે, ત્યારે તે અજાણતા તમારું નામ ચાર નવા લોકો સુધી પહોંચાડે છે. તે તમારી નબળાઈ શોધવાના બહાને તમારી ચર્ચાને જીવંત રાખે છે. વિરોધીઓ તમારો પ્રચાર એટલો મફતમાં અને એટલી મહેનતથી કરે છે જેટલી મહેનત કદાચ કોઈ મોંઘી એડવર્ટાઈઝિંગ એજન્સી પણ ન કરે. તેઓ તમારી સફળતાના ન્યૂઝ પેપર છે જે રોજ સવારે લોકોની વચ્ચે તમારું નામ ઉછાળે છે.
ટીકા એ જ વાતનો પુરાવો છે કે તમે મેદાનમાં રમી રહ્યા છો, બાકી પ્રેક્ષકો તો ગેલેરીમાં બેસીને માત્ર બૂમો જ પાડી શકે છે.જે લોકો તમારી પીઠ પાછળ વાતો કરે છે, તેમને ત્યાં જ રહેવા દો કારણ કે ‘પાછળ’ રહેવું જ તેમની નિયતિ છે અને ‘આગળ’ વધવું એ તમારી જીદ.અને બીજી વાત તમારા વિરોધીઓને ક્યારેય બ્લોક ન કરો, તેમને તમારી સફળતાના લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે સીટ રિઝર્વ રાખવા દો.ઈર્ષ્યા કરનારાઓ એ દીવા જેવા છે જે બીજાના પ્રકાશથી પોતે બળે છે, પણ અંધારામાં તમારો રસ્તો તો એ જ સાફ કરે છે.
જો તમારા જીવનમાં ટીકાકારો નથી, તો સમજી લેજો કે તમે હજુ કંઈ ખાસ મોટું કર્યું નથી. તમારી સફળતાની ઊંચાઈ તમારા વિરોધીઓની સંખ્યા પરથી મપાય છે. તેમને તમારા માર્કેટિંગ એજન્ટ બની રહેવા દો, તેમને તમારી સફળતાથી બળવા દો અને તમે તમારી , તમારા કાર્યો , તમારા ગોલ અને તમારા કર્મોથી દુનિયા જીતતા રહો. યાદ રાખજો, સિંહ પાછળ ભસતા કૂતરાઓ સિંહનું કદ ઘટાડી શકતા નથી, ઉલટાનું સિંહની શાન વધારે છે!

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

