માર્ચ, ૨૦૨૬માં જીએસટી કલેક્શન ૯ ટકા વધી બે લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ત્રીજું સૌથી વધુ કલેક્શમ રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.

આયાત તેમજ સ્થાનિક વેચાણ તથા ખરીદીમાં મેળવેલા ટેક્સને કારણે જીએસટી ક્લેકશનમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રોસ ડોમેસ્ટિક આવક ૫.૯ ટકા વધીને ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી છે.
જ્યારે આયાતમાંથી મળેલ ક્લેકશન ૧૭.૮ ટકા વધીને ૫૩,૮૬૧ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૮૩ લાખ કરોડ રૂપિયા હતું. માર્ચ, ૨૦૨૬નું જીએસટી કલેક્શન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું ત્રીજુ સૌથી મોટું કલેક્શન છે. ૨૦૨૫-૨૬માં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, ૨૦૨૫માં ૨.૩૬ લાખ કરોડ રૂપિયા હતું. મે મહિનામાં જીએસટી કલેક્શન ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૨૫-૨૬નાં સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૮.૩ ટકા વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૩૭૫ વસ્તુઓનાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જીએસટીનાં ચાર સ્લેબ ૫,૧૨,૧૮ અને ૨૮ ટકા હતાં. જે ઘટાડીને પાંચ અને ૧૮ એમ બે સ્લેબ કરવામાં આવ્યા હતાં. જો કે અલ્ટ્રા લક્ઝુરિયસ વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી રાખવામાં આવ્યો છે. માર્ચમાં ૨૨,૦૭૪ કરોડ રૂપિયાનું રિફન્ડ જારી કરવામાં આવ્યું હતું. જે ૧૩.૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિફન્ડ એડજસ્ટ કર્યા પછી માર્ચમાં જીએસટીની આવક ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૮.૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

