કેરળ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના કાફલા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરૂર જ્યારે બે વાહનોના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વચ્ચે રસ્તો રોકી ગાડીના કાચ તોડવાનો પ્રયાસ
ચક્ષુદ્રષ્ટાઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રસ્તાની વચ્ચે જ થરૂરનું વાહન અટકાવી દીધું હતું અને જોરજોરથી કારના કાચ પીટવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ વણસતી જોઈને જ્યારે શશિ થરૂરના ગનમેને વચ્ચે પડી રસ્તો સાફ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉપદ્રવીઓએ તેની સાથે પણ ધક્કામુક્કી અને હાથાપાઈ કરી હતી.
પોલીસ એક્શન: બે શખ્સોની ધરપકડ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ હુમલો કોઈ પૂર્વનિયોજિત કાવતરું હતું કે પછી રસ્તા પર થયેલા કોઈ વિવાદનું પરિણામ.
કેરળ ચૂંટણી 2026: મહત્વની વિગતો
મતદાનની તારીખ: 9 એપ્રિલ 2026
પરિણામની તારીખ: 4 મે 2026
કુલ બેઠકો: 140 વિધાનસભા બેઠકો
મુખ્ય મુકાબલો: LDF (ડાબેરી મોરચો), UDF (કોંગ્રેસ પ્રેરિત મોરચો) અને ભાજપના નેતૃત્વ હેઠળના NDA વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

