મધ્ય-પૂર્વમાં ઈરાન સામે અમેરિકા યુદ્ધે ચઢ્યું છે તેવા સમયે અમેરિકામાં પહેલી વખત પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતામાં અસાધારણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં અડધાથી વધુ શ્વેત મધ્યમ વર્ગનો અમેરિકન પ્રમુખમાં વિશ્વાસ ઘટી ગયો છે અને પહેલી વખત ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ નેગેટિવ થઈ ગયું છે. હાર્વર્ડ કેપ્સ-હેરીસના સર્વે મુજબ અત્યારે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 43ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ ૫૩ ટકા છે. ટ્રમ્પની ટેરિફ વોર, ઈરાન સામે યુદ્ધ સહિતના કારણોથી અમેરિકામાં વધેલી મોંઘવારીના કારણે અમેરિકન યુવાનોથી લઈને વૃદ્ધો, પુરુષોથી મહિલાઓ તેમજ ટ્રમ્પની વોટબેન્ક ગણાતા જીઓપીમાં પણ ટ્રમ્પનું ડિસઅપ્રુવલ રેટિંગ વધી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર ૨૦૨૪માં ૮ કરોડથી વધુ અમેરિકનોના સમર્થનથી પ્રમુખપદની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટ્રમ્પની સાથે રિપબ્લિકન પાર્ટીએ પણ સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતીથી વિજય મેળવ્યો હતો. પરંતુ પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના એક જ વર્ષમાં ટ્રમ્પની લોકપ્રિયતા તળીયે જતી રહી છે.

હાર્વર્ડ કેપ્સ-હેરિસના તાજા સરવેમાં જણાયું કે ટ્રમ્પનું એકંદર અપ્રુવલ રેટિંગ 43 ટકા છે જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 53 ટકા છે. આમ, ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ માઈનસ 10 એટલે કે નેગેટિવ થઈ ગયું છે. રિપબ્લિકન્સ અને યુવા મતદારોમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે. સરવેમાં ભાગ લેનારા રિપબ્લિકન પાર્ટીના ટેકેદારો (જીઓપી)માં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને 79 ટકા થયું છે, જે ફેબુ્રઆરીમાં 83 ટકા હતું. એ જ રીતે 18 થી 24 વર્ષના યુવાનોમાં પણ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 38 ટકાથી ઘટીને 25 ટકા થઈ ગયું છે. અમેરિકન પુરુષોમાં ડીસઅપ્રુવલ રેટિંગ ઘટીને 51 ટકા જ્યારે મહિલાઓમાં 59 ટકા થયું છે.
હાર્વર્ડ-હેરિસ સરવે મુજબ રિપબ્લિકન અથવા ડેમોક્રેટ સમર્થક ના હોય તેવા સ્વતંત્ર અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ માત્ર 32 ટકા છે જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 59 ટકા છે. આમ, આ મહત્વના મતદાર જૂથમાં નેટ અપ્રુવલ રેટિંગ માઈનસ 27 ટકા જેટલું થઈ ગયું છે. અમેરિકન મીડિયા ગૃહ સીએનએનના તાજા સરવેમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સરવેમાં અમેરિકન શ્વેત મધ્યમ વર્ગના મતદારોમાં ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ પહેલી વખત નેગેટિવ થઈ ગયું છે. સીએનએન દ્વારા 26થી 30 માર્ચ વચ્ચે હાથ ધરાયેલા પોલ મુજબ શ્વેત મધ્યમ વર્ગના અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 49 ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 51 ટકા છે. આમ, નેટ અપ્રુવલ માઈનસ 1 ટકા એટલે કે નેગેટિવ થઈ ગયું છે. આ વર્ગને ટ્રમ્પની મુખ્ય વોટ બેન્ક મનાય છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકન અર્થતંત્રના સંચાલન, મોંઘવારી, ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓના પગલે અમેરિકનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવવાની સાથે દુનિયાના લગભગ બધા દેશો સાથે ટેરિફ વોર શરૂ કરી અમેરિકન અર્થતંત્રને મોટું નુકસાન કર્યું છે. ટ્રમ્પના આ પગલાંઓથી મોંઘવારી વધી છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા સામાન્ય અમેરિકનોમાં અસંતોષ વધ્યો છે. ટ્રમ્પ દુનિયામાં ક્યાંય યુદ્ધ શરૂ નહીં કરવાનું ચૂંટણી વચન આપીને સત્તા પર આવ્યા હતા. હવે ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં ૨૦૨૨ પછી પહેલી વખત પેટ્રોલના ભાવ ૪ ડોલરને પાર જતા રહ્યા છે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ટ્રમ્પની લોકપ્રિયતા ઘટવાથી રિપબ્લિકન પાર્ટીની ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વલણ ચાલુ રહેશે તો ચૂંટણીમાં રિપબ્લિકનો માટે જીતવું મુશ્કેલ બની શકે છે. સીએનએનના પોલમાં એકંદર અમેરિકનોમાં ટ્રમ્પની પ્રમુખ તરીકેની કામગીરીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે.

