RAJKOT : જસદણના અમર ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલક સહિત 3 ઝડપાયા

0
12
meetarticle

જસદણ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. આ રેડ દરમિયાન એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાત્રે પોલીસની કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી છે.

જસદણ શહેરમાં પ્રથમ વખત કોઈ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલા અમર ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી જસદણ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગત મોડી રાત્રે ઓચિંતી રેડ કરવામાં આવી હતી.

પોલીસના રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદ હાલતમાં એક મહિલા મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ગેસ્ટ હાઉસના સંચાલક અને કર્મચારી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. લાંબા સમયથી અહીં આ અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે મોડી રાત્રે રસ્તા પર લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જસદણ પોલીસે ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે અહીં આવતા-જતા ગ્રાહકો અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે. ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તેની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જસદણ જેવા શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ પકડાતા સ્થાનિક રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here