સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે ચોકબજાર પોલીસ મથકને મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા બે મહિનાથી પોલીસને હંફાવતા અને સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી ગુરુ શાહને આખરે પોલીસે દબોચી લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
આ કેસની વિગત મુજબ, આજથી આશરે બે મહિના પહેલા સુરતના ચોકબજાર વિસ્તારમાંથી એક 15 વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારની શોધખોળ બાદ જાણવા મળ્યું હતું કે, ગુરુ શાહ નામનો યુવક તેને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. સગીરાના પરિવારે આ મામલે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ચોકબજાર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના લોકેશન ટ્રેસ કર્યા હતા. બે મહિના સુધી અલગ-અલગ સ્થળોએ નાસતા ફરતા આરોપી ગુરુ શાહને આખરે પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીએ 15 વર્ષની સગીરાને પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે સગીરાનો કબજો મેળવી તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવાની અને મેડિકલ તપાસની તજવીજ હાથ ધરી છે. આરોપી ગુરુ શાહ વિરુદ્ધ દુષ્કર્મની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
