NATIONAL : LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

0
16
meetarticle

દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી(FTL) સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સિલિન્ડરની આ વધારાની સપ્લાય અગાઉના સરેરાશ વિતરણના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે, જે વિસ્તારમાં અગાઉ જેટલી માંગ અને સપ્લાય હતી, તેને ધ્યાનમાં રાખીને હવે ત્યાં બમણો પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ નવી વ્યવસ્થા માર્ચ મહિનામાં નક્કી કરાયેલી 20 ટકાની મર્યાદા કરતા પણ વધુ રહેશે, જેથી વધુમાં વધુ શ્રમિકો સુધી આ સુવિધા પહોંચી શકે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાના 5 કિલોના સિલિન્ડર રાજ્ય સરકાર અને તેમના ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગોને સોંપવામાં આવશે, જેનું વિતરણ માત્ર પરપ્રાંતીય મજૂરો માટે જ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સંપૂર્ણ સહયોગ આપશે. સરકારે લોકોને ખાતરી આપી છે કે વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી લોકોએ ગભરાઈને ખરીદી ન કરવી જોઈએ અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ.

આ સાથે જ ગ્રાહકોને ગેસ બુકિંગ માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની અને વિતરકો પાસે બિનજરૂરી ભીડ ન કરવાની સલાહ આપવામાં આવી છે. સરકાર હાલમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા જરૂરી ક્ષેત્રો માટે પાઇપ્ડ નેચરલ ગેસ(PNG) અને ડોમેસ્ટિક એલપીજીની સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે. આ સિવાય, રિફાઇનરી ઉત્પાદન વધારવા અને શહેરી વિસ્તારોમાં બુકિંગ વચ્ચે 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, અત્યાર સુધી અંદાજે 51 લાખ ડોમેસ્ટિક સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે અને 95 ટકા બુકિંગ ઓનલાઇન થવાને કારણે વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here