છોટા ઉદેપુર તાલુકાના કોળી ગામમાં રહસ્યમય સંજોગોમાં એક 65 વર્ષીય વૃદ્ધની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામના નિશાળ ફળિયામાં રહેતા વૃદ્ધ પર અજાણ્યા શખસે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

નિશાળ ફળિયામાં હત્યાથી ખળભળાટ
મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ 65 વર્ષીય નંદુ રાઠવા તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નંદુ રાઠવા પર કોઈ અજાણ્યા શખસે હિંસક હુમલો કર્યો હતો. મૃતદેહ પર કુહાડીના ઘા જોવા મળતા આ મામલો સ્પષ્ટપણે હત્યાનો હોવાની શંકા દ્રઢ બની છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતાં જ છોટા ઉદેપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ અને એફએસએલની તપાસ બાદ જ મોતનું સચોટ કારણ અને હુમલાની પદ્ધતિ સ્પષ્ટ થશે.
આ ઘટનાને પગલે કોળી ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, હવે લોકો પોતાના ઘરમાં પણ સલામત રહ્યા નથી. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે આખરે આ ઘાતકી હત્યા કરનાર કોણ છે? લોકોમાં વધતા જતા અસંતોષ વચ્ચે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ તાત્કાલિક હત્યારાને શોધી કાઢે અને કડક પગલાં ભરે. હાલમાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
