NATIONAL : બંગાળમાં બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો માટે આજે મતદાન

0
4
meetarticle

પશ્ચિમ બંગાળમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાનના બીજા તબક્કામાં 142 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. નોંધનીય છે સવારના નવ વાગ્યા સુધી 18.39 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પોતાની ભવાનીપુર બેઠકના ઘણા બૂથની મુલાકાત લીધી. તેમણે આરોપ લગાવ્યો કે, “સેન્ટ્રલ ફોર્સિસ અને ચૂંટણી ઑબ્ઝર્વર ભાજપના કહ્યાનુસાર કામ કરી રહ્યાં છે.”

તેમજ આ બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી શુભેંદુ અધિકારીએ કહ્યું, “મમતા બેનરજી આજે ઉમેદવાર છે, તેમને બૂથ પર જવાનો અધિકાર છે પરંતુ તેઓ આટલી ભીડ લઈને કેમ આવ્યાં છે? હું પણ બૂથ પર જઈ રહ્યો છું, પરંતુ માત્ર મારા બૉડીગાર્ડ્સ સાથે. તેમણે પણ આવું જ કરવું જોઈએ. તેમણે ડર ફેલાવવા માટે આટલી ભીડ લાવી છે.”

પીટીઆઇ પ્રમાણે, બારાનગરના વૉર્ડ નંબર 72માં ઇવીએમ ખરાબ થવાને લીધે મતદાન રોકી દેવાયું છે. નારાજ મતદારોનું કહેવું છે કે મશીન પાંચ વખત બદલવામાં આવી, પરંતુ મતદાન શરૂ ન થયું.ખાનાકુલના હુગલી જિલ્લામાં રાજહાટી-1 પંચાયતના રામચંદ્રપુરના બૂથ નંબર 147 પર ટીએમસી અને આઇએસએફ સમર્થકો વચ્ચે ઝઘડો થયો, આરોપ છે કે નકલી પૉલિંગ એજન્ટ તહેનાત કરવામાં આવ્યા હતા.

આ તબક્કો પશ્ચિમ બંગાળ સરકારના અડધી ડઝનથી વધુ મંત્રીઓની, તેમજ મુખ્ય મંત્રી અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનરજીનું ભાવી નક્કી કરશે. તેમને ભાજપના દિગ્ગજો અને સીપીઆઈ(એમ)ના નવા ચહેરાઓ કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં આવેલા ટીએમસીના ગઢમાં ટક્કર આપી રહ્યા છે.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીએ રાજ્યના ઇતિહાસમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ, પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં કુલ 92.88 ટકા મતદાન નોંધાયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here