દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની જેલોમાં કસ્ટડી દરમિયાન થતા અપ્રાકૃતિક મૃત્યુના કેસમાં મૃતક કેદીના નજીકના પરિજનો અથવા કાયદેસરના વારસદારોને વળતર આપવાની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ પરિસ્થિતિ પ્રમાણે ₹5 લાખથી લઈને ₹7.5 લાખ સુધીનું વળતર આપવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ની માર્ગદર્શિકા અનુસાર જાહેર કરવામાં આવેલી આ યોજના પીડિત પરિવારોને નિર્ધારિત પરિસ્થિતિઓમાં સમયસર રાહત આપવાની સાથે વહીવટી જવાબદારીને પણ વધુ મજબૂત બનાવશે.
દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર આ યોજના ‘દિલ્હી જેલોમાં કેદીઓના મૃત્યુના કિસ્સામાં વળતર ચુકવણી યોજના 2025’ તરીકે લાગુ થશે. આ યોજના નોટિફિકેશનની તારીખ અથવા ત્યારબાદ દિલ્હીની કોઈપણ જેલમાં થયેલા અપ્રાકૃતિક મૃત્યુના કેસમાં લાગુ પડશે.

જેલમાં કેદીઓ વચ્ચેના ઝઘડા અથવા જેલ કર્મચારીઓ દ્વારા કથિત મારપીટ કે ત્રાસના કારણે કેદીનું મોત થાય તો પરિવારને ₹7.5 લાખનું વળતર આપવામાં આવશે. જ્યારે જેલ અધિકારીઓની ફરજમાં બેદરકારી, તબીબી અથવા પેરામેડિકલ સ્ટાફની બેદરકારી તથા કેદી દ્વારા આત્મહત્યાના કેસમાં ₹5 લાખનું વળતર નક્કી કરવામાં આવ્યું છે.
જોકે, કુદરતી અથવા બીમારીના કારણે થયેલા મૃત્યુમાં વળતર આપવામાં આવશે નહીં. જેલમાંથી ફરાર થવા અથવા કાયદેસરની કસ્ટડીમાંથી ભાગતી વખતે થયેલા મૃત્યુ તેમજ આપત્તિના કારણે થયેલા મૃત્યુ પણ આ યોજનાના દાયરામાં નહીં આવે.
દરેક કેસની મેજિસ્ટ્રિયલ તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી વિગતોની સમીક્ષા બાદ વળતર મંજૂર કરવામાં આવશે. CM રેખા ગુપ્તાએ કહ્યું કે સરકાર કાયદાના શાસન, માનવ ગરિમા અને બંધારણીય મૂલ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

