વડોદરાની માંજલપુરમાં ભાજપના સતીશ પટેલ 30 હજારથી વધુ મતની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ભાજપના સતેન્દ્ર (સતીશ) પટેલ વિજેતા જાહેર થયા છે. EVM મતગણતરીના અંતે સતીશ પટેલને 55,084 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ભીખાભાઇ રબારીને 24,585 મત મળ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના નેતા યોગેશ પટેલનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.
માંજલપુરમાં ભાજપે પોતાનો ગઢ જાળવ્યો
વડોદરાની 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર સતેન્દ્ર (સતીશ) પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 28,448 મતની જંગી લીડથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. મતગણતરી પૂર્ણ થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચૂંટણી પરિણામે માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. શરૂઆતના રાઉન્ડથી જ ભાજપે સરસાઈ જાળવી રાખી હતી અને અંતિમ પરિણામ સુધી પોતાની લીડ સતત વધારતા જીતને ઐતિહાસિક બનાવી છે.
મતગણતરી ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી. નિયમ મુજબ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલને 160 મત, કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 92 મત અને NOTAને 8 મત મળ્યા હતા અને ત્યારબાદ EVMની તમામ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

અંતિમ પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર સતેન્દ્ર (સતીશ) પટેલને કુલ 49,631 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને કુલ 21,183 મત મળ્યા હતા. NOTAને 1,998 મત મળ્યા હતા. સમગ્ર મતગણતરી દરમિયાન કુલ 72,812 મતની ગણતરી કરવામાં આવી હતી. અંતિમ પરિણામમાં સતેન્દ્ર (સતીશ) પટેલે 28,448 મતની જંગી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપ્યો છે.
ભાજપે જીતની ઉજવણી કરી
મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપ સતત આગળ રહ્યું હતું અને કોઈ પણ તબક્કે કોંગ્રેસ ભાજપની સરસાઈને પડકારી શકી નહોતી. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-નગારા સાથે ઉજવણી કરી અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
માંજલપુર બેઠકને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે પણ પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી હતી, છતાં મતદારોનો સ્પષ્ટ ઝુકાવ ભાજપ તરફ જોવા મળ્યો હતો.
આ પરિણામ સાથે ભાજપે માંજલપુર બેઠક પર પોતાનો રાજકીય દબદબો વધુ મજબૂત બનાવ્યો છે. જંગી મતોથી મળેલી જીતને સંગઠન માટે મહત્વની રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે. હવે તમામની નજર વિજેતા ઉમેદવાર સતેન્દ્ર (સતીશ) પટેલના આગામી કાર્યકાળ અને વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાઓ પર રહેશે.
145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના સતેન્દ્ર (સતીશ) પટેલે 49,631 મત મેળવી કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 28,448 મતની જંગી લીડથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ 72,812 મતની ગણતરી બાદ જાહેર થયેલા પરિણામે માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે અને આ જીતને રાજ્યના રાજકીય દૃષ્ટિકોણે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30 હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો છે, જે કાર્યકરોની મહેનત અને જનતાના આશીર્વાદનું પરિણામ છે. આ જીત ભાજપ માટે માત્ર રાજકીય સફળતા નહીં પરંતુ વિકાસની રાજનીતિને મળેલી જનસમર્થનની મહોર છે.
પ્રદેશ પ્રમુખે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે વર્ષો સુધી માંજલપુર વિસ્તારની નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી. હવે સતીશ પટેલ તેમના વિકાસના કાર્યોને વધુ વેગ આપીને વિસ્તારના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેવી આશા વ્યક્ત કરી.
અંતમાં જગદીશ વિશ્વકર્માએ માંજલપુરના તમામ મતદારો, ભાજપના કાર્યકરો અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કરતાં કહ્યું કે જનતાએ ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે તેને વિકાસના વધુ કામો દ્વારા જાળવી રાખવામાં આવશે.
