હોર્મુઝની ખાડી ફરી ખોલવા બાબતે ઈરાન-ઓમાન વચ્ચે ચાલી રહેલી મંત્રણા સફળ રહી છે અને હવે સમજૂતી હાથવેંતમાં હોવાનું ઈરાને જણાવ્યું છે. ઓમાન સાથે ચાલી રહેલી વાટાઘાટોને અમેરિકા સાથે કોઈ લેવા-દેવા ન હોવાનો હુંકાર ઈરાને કર્યો છે અને અમેરિકા-ઈઝરાયેલના કારણે હોર્મુઝમાં જહાજો પર હજુ સંકટ યથાવત હોવાનું જણાવ્યું છે. સમજૂતી આખરી તબક્કામાં હોવાનું ઈરાને જણાવ્યું તે પહેલાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવાર સુધીમાં હોર્મુઝની ખાડી ફરી ખુલી જવાની આશા વ્યક્ત કરી હતી.
અમેરિકા દ્વારા કરાયેલી ઈરાનના બંદરોની નાકાબંધી હટાવાય તો જ હોર્મુઝ ફરી ખોલવા ઈરાન મક્કમ છે. અમેરિકાએ હોર્મુઝ પર ઈરાનનો અંકુશ સ્વીકારવા ઈનકાર કરેલો છે ત્યારે ઓમાન-ઈરાન સમજૂતી બાબતે અમેરિકાનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી. ઈરાન-ઓમાન વચ્ચે થયેલી ડીલ મુજબ જહાજોને પર્શિયન અખાતમાંથી ઈરાન સંચાલિત રૂટ પરથી પ્રવેશની અને ઓમાન હસ્તકના રૂટ દ્વારા બહાર નીકળવાની મંજૂરી અપાશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈએ જણાવ્યું હતું કે, વાટાઘાટો હકારાત્મક રહી છે અને સમજૂતી આખરી થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઈઝરાયેલ-હુથીઓના હુમલા યથાવતઃ ઈરાન અને ઓમાનની જેમ અમેરિકા પણ વાટાઘાટો બાબતે સકારાત્મક હોવાનું જણાય છે. જો કે ઈઝરાયેલ તથા ઈરાન સમર્થિત યેમનના હુથી બળવાખોરો આક્રમકતા ઘટાડવા તૈયાર નથી. ઈઝરાયેલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ પર ભીષણ હુમલા કર્યા હતા. હિઝબુલ્લાહ દ્વારા શસ્ત્રવિરામનો ભંગ થયો હોવાનો દાવો કરી ઈઝરાયેલે લેબેનોનના મજદલ સેલમ શહેર પર કરેલા હુમલામાં એક મોત થયું હતું અને 11 ઘાયલ થયા હતા. ઈઝરાયેલના બે સૈનિકો વિસ્ફોટમાં માર્યા ગયા હતા. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદીના બંદર યાનુબ નજીક જહાજને નિશાન બનાવ્યું હતું. સાઉદી તરફથી આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ હુથીઓ-સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધવાનું જોખમ ઊભું થયું છે.
હુથીઓએ ભારતીય જહાજ સાથે વિસ્ફોટકો ભરેલી બોટ અથડાવી, 14 નાવિકોને બચાવી લેવાયા
યેમન નજીક રાતા સમુદ્રમાં હુથી બળવાખોરોએ કરેલા હવાઈ હુમલા પછી ભારતીય ધ્વજવાળું વેપારી જહાજ MSV ફૈઝ નૂર ઓલિયા દરિયામાં ડૂબી ગયું હતું. જહાજ પર હવાઈ હુમલા બાદ વિસ્ફોટકો ભરેલી બોટ તેની સાથે અથડાવી દેવાઈ હતી. જહાજમાં સવાર તમામ 14 ખલાસીઓ, જેમાં 13 ભારતીય અને એક યેમની નાગરિકનો સમાવેશ થાય છે, તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં. આ જહાજ સાઉદી અરેબિયાથી તેલ લઈને આવી રહ્યું હતું. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ હુમલાની કડક નિંદા કરી હતી.
