NATIONAL : કેન્સર સામેની જંગમાં ક્રાંતિ : mRNA રસી અને ‘Keytruda’ના સંયોજનથી મોટી સફળતા — ટ્યુમરના ફેલાવાને રોકવામાં મહત્વપૂર્ણ પ્રગતિ

0
17
meetarticle

કેન્સર સારવાર ક્ષેત્રે એક અતિ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ Moderna અને Merckની પર્સનલાઇઝ્ડ mRNA કેન્સર વેક્સિનના લેટ-સ્ટેજ ટ્રાયલમાં પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. સ્કીન કેન્સર(મેલાનોમા)ના દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગમાં આ વેક્સિને શસ્ત્રક્રિયા પછી કેન્સર પાછું આવતું (Recurrence) અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતું (Metastasis) અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

શું છે પર્સનલાઇઝ્ડ mRNA કેન્સર વેક્સિન?

સામાન્ય રસીઓની જેમ આ રસી ચેપ કે રોગને થતો રોકવા માટે નથી હોતી, પરંતુ દર્દીના પોતાના ટ્યુમરના ડીએનએ (DNA) પ્રોફાઇલ પર આધારિત હોય છે. જ્યારે દર્દીના શરીરમાંથી સર્જરી દ્વારા ટ્યુમર હટાવવામાં આવે છે, ત્યારે તેના ચોક્કસ જિનેટિક મ્યુટેશનનું વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ Modernaની mRNA ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને દરેક દર્દી માટે ખાસ રસી તૈયાર કરવામાં આવે છે. આ રસી રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે છે, જેથી તે દર્દીના ટ્યુમર-વિશિષ્ટ મ્યુટેશન ધરાવતા કેન્સરના કોષોને ઓળખીને તેને વધતા કે ફેલાતા પહેલા જ નષ્ટ કરી શકે.

‘કીટ્રુડા’ અને રસીની મિશ્રિત થેરાપીના પરિણામો

આ ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલમાં હાઇ-રિસ્ક સ્ટેજ IIBથી IV મેલાનોમાના 1,137 દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા. દર્દીઓને Merckની પ્રખ્યાત ઇમ્યુનોથેરાપી દવા ‘કીટ્રુડા'(Keytruda) સાથે આ રસીનું મિશ્રણ અથવા માત્ર ‘કીટ્રુડા’ આપવામાં આવી હતી. પરિણામો દર્શાવે છે કે આ મિશ્રિત કોમ્બિનેશને કેન્સરનું પુનરાવર્તન અને દૂરના ભાગોમાં ફેલાવવાનો જોખમ સફળતાપૂર્વક ઘટાડ્યો છે. આ અગાઉ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માત્ર કીટ્રુડા આપવાની સરખામણીએ આ કોમ્બિનેશન થેરાપીથી કેન્સર પાછું આવવાનું અથવા મૃત્યુનું જોખમ 49% જેટલું ઘટી ગયું હતું.

મેલાનોમા દર્દીઓ માટે ભવિષ્યની આશા

મેલાનોમા એ સ્કીન કેન્સરનું સૌથી ગંભીર સ્વરૂપ છે, જે ફેલાઈ ગયા પછી તેની સારવાર અત્યંત જટિલ બની જાય છે. સર્જરી કરાવી ચૂકેલા દર્દીઓમાં કેન્સર પાછું ન આવે તે સુનિશ્ચિત કરવું એ મુખ્ય પડકાર છે. આ અંગે પાર્કર ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર ઇમ્યુનોથેરાપીના સીઇઓ કારેન નુડસેને જણાવ્યું કે આ શોધ સોલિડ ટ્યુમર માટે ઇમ્યુનોથેરાપીના એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે. Modernaના પ્રેસિડેન્ટ સ્ટીફન હોજના જણાવ્યા અનુસાર, રેગ્યુલેટરી મંજૂરી મળતાં આ થેરાપી આગામી સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

અંગત જિનેટિક પ્રોફાઇલ પર આધારિત આ પર્સનલાઇઝ્ડ ઓન્કોલોજી થેરાપી આગામી સમયમાં ફેફસાં, સ્તન અને સ્વાદુપિંડના કેન્સર(Pancreatic Cancer)ની સારવારમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here