ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં જ એક નવો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર ‘વંદે માતરમ્’નું અપમાન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ પાર્ટી પાસે સ્પષ્ટતાની માંગ કરી છે.
વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?
આ મામલે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે હું ‘વંદે માતરમ્’ના ગાન સમયે માનપૂર્વક ઊભો હતો અને પછી જેટલી કડીઓ જરૂરી હતી તે દરમિયાન હું ઊભો રહ્યો અને પછી હું બેસી ગયો. આ મારો અંગત મંતવ્ય છે. અમારામાં ખુદાની જ ઇબાદત કરવાનો હુકમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. દિલ્હી સંસદથી લઈને ગુજરાત વિધાનસભા સુધી એવી પ્રણાલી રહી છે કે સત્રની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’થી કરવામાં આવે છે. પરંતુ, ભાજપના આરોપ મુજબ, આજે સત્રની શરૂઆતમાં જ્યારે ‘વંદે માતરમ્’ની ધૂન વાગી ત્યારે જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર ઊભા થયા અને તરત જ પાછા બેસી ગયા હતા. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રીય ગીતનું સીધું અપમાન ગણાવ્યું છે.

આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભાજપે જણાવ્યું હતું કે, “આ એક મોટું અપમાન છે અને અમે કોંગ્રેસ પાર્ટી પાસે તેનો જવાબ માંગીએ છીએ. કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે ‘વંદે માતરમ્’ વખતે બેસી જવું એ ઈમરાન ખેડાવાલાનું વ્યક્તિગત વલણ છે કે પછી પાર્ટીનું સ્ટેન્ડ છે?” પાર્ટીએ વધુમાં કહ્યું કે પ્રજા પણ આનો જવાબ માંગી રહી છે અને ધારાસભ્યએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ.
ભાજપના નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘વંદે માતરમ્’નું અપમાન કરવું એ દેશના અપમાન સમાન છે. તેમણે કહ્યું કે, “માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, પરંતુ દેશનો કોઈ પણ સામાન્ય નાગરિક રાષ્ટ્રગીતનું આ પ્રકારનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં. અમે તેમને આ બાબતે ચોક્કસપણે જવાબ આપીશું.”

