સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જામીન અરજી અને ફોજદારી કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ નૈતિકતા અંગે પોતાના વ્યક્તિગત વિચારો કે નૈતિક રીતે સાચુ છે કે ખોટું છે તે અંગેના ચુકાદા ન આપવા જોઇએ.
જસ્ટિસ ઉજ્જલ ભુયાણ અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની ખંડપીઠે મધ્યપ્રદેશ હાઇકોર્ટના એક આદેશને રદ કરતી વખતે આ અવલોકન કર્યાં હતાં. હાઇકોર્ટે જાતીય શોષણના કેસમાં આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે જામીન આપવાથી સામાજિક વ્યવસ્થા અને પીડિતાના પરિવારની ‘નૈતિકતા’ પર અસર પડી શકે છે. ખંડપીઠે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે જામીન સંબંધિત મામલાની સુનાવણી કરતી વખતે અથવા આરોપી સામે ચાલી રહેલી ફોજદારી ટ્રાયલ દરમિયાન અદાલતોએ નૈતિકતા કે અન્ય કોઈ મુદ્દે મુખ્ય જજના વ્યક્તિગત વિચારો અથવા વેલ્યૂ જજમેન્ટ આપવાનું ટાળવું જોઇએ. આરોપી સામે મધ્યપ્રદેશના રતલામમાં BNS,ઉપરાંત પોક્સો તથા એસસી-એસટી એક્ટની કલમો હેઠળ FIR નોંધાઈ હતી. આરોપ હતો કે આરોપી પીડિતાના પાડોશમાં ભાડેથી રહેતો હતો અને પરિણીત હોવા છતાં તેણે પીડિતાની મોટી બહેનનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પછી પીડિતાએ તેની માતાને જણાવ્યું હતું કે આરોપીએ આશરે એક મહિના સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન કેસમાં અપીલકર્તા આરોપી એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે. ટ્રાયલ પૂર્ણ થવામાં હજુ સમય લાગશે. આ સ્થિતિમાં અમારું માનવું છે કે આરોપીને જામીન આપવાનો આધાર બને છે. સુપ્રીમે આરોપીને જામીન આપવાનો આદેશ કર્યો હતો.

