NATIONAL : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયા, EVM, પસંદગી પ્રક્રિયા અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા

0
9
meetarticle

આગામી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમાર સામે અત્યંત સખત વલણ અપનાવતા આરોપ લગાવ્યો છે કે, “જ્ઞાનેશ કુમાર ભાજપના એજન્ટ હતા, છે અને રહેશે.” 29 સપ્ટેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં ખડગેએ ચૂંટણી પંચની કાર્યપ્રણાલી, SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) અને મતદાતા યાદીમાંથી નામો દૂર કરવા અંગે સવાલો ઉઠાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ કરી છે.

નોટબંધી બાદ દેશમાં હવે ‘વોટબંધી’ નો પ્રયાસ

ખડગેએ વર્ષ 2016 ની નોટબંધીનો ઉલ્લેખ કરતા મતદાતા યાદીમાં થઈ રહેલા ફેરફારોને ‘વોટબંધી’ ગણાવી હતી. તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, “જેમ નોટબંધી સમયે ગરીબો અને સામાન્ય નાગરિકોને લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, તેમ હવે આ ‘વોટબંધી’ દ્વારા ગરીબો, દલિતો અને વંચિતોને મતદાનની લાઈનમાંથી જ બહાર ફેંકી દેવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં ગરીબો પાસે સૌથી મોટી તાકાત તેમનો વોટ છે અને કોંગ્રેસ તેને કોઈ પણ સંજોગોમાં છીનવા દેશે નહીં.” ખડગેએ પુનરોચ્ચાર કર્યો હતો કે જ્યાં સુધી દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો અધિકાર નહીં મળે ત્યાં સુધી તેમની લડાઈ જારી રહેશે.

ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની 5 મુખ્ય માંગણીઓ

ખડગેએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાના પક્ષમાં નથી, પરંતુ આ સંસ્થા એટલી મજબૂત અને નિષ્પક્ષ હોવી જોઈએ કે દેશનો દરેક નાગરિક તેના નિર્ણયો પર ભરોસો કરી શકે. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પંચ સમક્ષ 5 માંગણીઓ રજૂ કરી:

ડેટા જાહેર કરવો: મતદાતા યાદીમાં થતા મોટા ફેરફારોનો તમામ ડેટા જાહેર કરવામાં આવે.

અપીલની તક: જે નાગરિકોના નામ મતદાતા યાદીમાંથી હટાવવામાં આવ્યા છે તેમને તેની લેખિત જાણકારી આપી અપીલ કરવાનો પૂરો મોકો આપવામાં આવે.

સરળ સ્વરૂપમાં ડેટા: તમામ રાજકીય પક્ષોને મતદાતા યાદીનો ડેટા સમયસર અને વાપરવામાં સરળ ડિજિટલ ફોર્મેટમાં પૂરો પાડવામાં આવે.

તટસ્થ તપાસ: મતદાતા યાદીમાં જોવા મળતી ગંભીર વિસંગતતાઓની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ થાય.

નિષ્પક્ષતાનો ભરોસો: ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ નિર્ણય અને ડેટામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે જેથી દરેક મતદારનો વિશ્વાસ જળવાઈ રહે.

CEC ને હટાવવાની અને PM ના રાજીનામાની માંગ

ખડગેએ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના જ બે અન્ય આયુક્તોએ સીઈસી (CEC) ની કેટલીક પ્રવૃત્તિઓને મનસ્વી અને ગેરવ્યાજબી ગણાવી છે તેમજ તેમને ઈન્ટરનલ પોર્ટલથી બહાર રાખવામાં આવ્યા છે. આ જ ગંભીર બાબતોને આધારે ખડગેએ જ્ઞાનેશ કુમારને તાત્કાલિક અસરથી CEC ના પદ પરથી હટાવવાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું કે આ લડાઈ કોઈ વ્યક્તિ કે પક્ષ સામે નથી પરંતુ દેશના બંધારણ અને મતદારોના અધિકારો માટે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here