GUJARAT : મહીસાગરના કડાણા તાલુકાના ગોલણપુર ગામે વિશ્વ મહિલા કિસાન દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ મહીસાગર દ્વારા વિશેષ ખેડૂત ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું

0
14
meetarticle

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોલણપુર ગામે વિશ્વ મહિલા કિસાન દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ મહીસાગર દ્વારા વિશેષ ખેડૂત ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ મહિલાઓ ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રે પૂરતી ટેકનિકલ માહિતી અને સચોટ માર્ગદર્શન મેળવી આગેવાની લે તથા પરિવારોનું આર્થિક અને સામાજિક જીવનધોરણ ઊંચું આવે તેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે આ ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કૃષિ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત ડેરી વિજ્ઞાનના પ્રોફેસર ડૉ. કૃપાબહેને ગ્રામીણ બહેનોના આર્થિક ઉત્થાન માટે ડેરી કેન્દ્ર ખાતેથી તાલીમ લઈ કુશળતા પ્રાપ્ત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દૂધનું મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) કરી વિવિધ બનાવટો કેવી રીતે તૈયાર કરવી તે અંગે તકનીકી જાણકારી આપી હતી. આ સાથે કામધેનુ યુનિવર્સિટીના પ્રતિનિધિ દ્વારા આદર્શ પશુપાલન વ્યવસ્થાપન, પશુ આરોગ્ય અને દૂધ ઉત્પાદન વધારવા સંદર્ભે મહત્વની બાબતો સમજાવી હતી. ગ્રામીણ મહિલાઓના વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી લેતાં મહિલા તબીબ દ્વારા દૈનિક આહારમાં વિટામિન અને પ્રોટીનયુક્ત પોષણના સ્ત્રોતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ખેડૂત ગોષ્ઠીમાં ઉપસ્થિત ‘આત્મા’ પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના અધિકારીઓએ ખેડૂતોને વર્તમાન સિઝનની મુશ્કેલીઓ અને ભાવિ ખેતીના સચોટ આયોજન અંગે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને વરસાદની અનિયમિતતા કે ખેંચ વચ્ચે પણ ખેતી અને પશુપાલનના સમન્વયથી નિયમિત અને સ્થિર આવક કેવી રીતે ઊભી કરી શકાય તે અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું. તદુપરાંત તેલીબિયાં પાકોની આધુનિક પદ્ધતિઓ, પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સની ખેતી તેમજ ખેતરના શેઢા-પાળા અને પડતર જમીનનો મહત્તમ સદુપયોગ કરી ઓછા પાણીમાં ઉછરી શકે તેવા ફળાવ વૃક્ષોના વાવેતર થકી પૂરક આવક મેળવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા હતા. ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ મળતી વિવિધ સહાયકારી યોજનાઓની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમના સમાપન તબક્કે ઉપસ્થિત મહિલાઓ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ સમજ મળી રહે તે હેતુથી વિવિધ પદ્ધતિઓ અને પ્રયોગોના ડેમોસ્ટ્રેશનનું જીવંત (લાઈવ) પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સહુ માટે અત્યંત પ્રેરણાદાયી બની રહ્યું હતું.

રિપોર્ટર……. સંદીપ દેવાંશ્રયી……. મહીસાગર…….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here