BOLLYWOOD : Netflixના પાકિસ્તાની શોને લઈને વિવાદ વકર્યો, ભારતમાં પ્રતિબંધની માંગથી પાકિસ્તાન સરકારમાં હલચલ

0
25
meetarticle

મનોરંજન જગતમાં સરહદ પારના કન્ટેન્ટને લઈને ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના પ્રથમ પાકિસ્તાની ઓરિજિનલ શો ‘જો બચે હૈં સંગ સમેટ લો’ની રિલીઝ પહેલાં જ ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ તેજ બની છે. ભારતીય ફિલ્મ સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ શો અટકાવવાની અપીલ કરાયાના એક દિવસ બાદ જ હવે પાકિસ્તાનના એક મંત્રી પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવ્યો છે.

‘ખેલાડીઓને રમવા દો અને કલાકારોને કામ કરવા દો’: પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલ

બુધવારે પાકિસ્તાનના યોજના મંત્રી અહસાન ઇકબાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતમાં પ્રતિબંધની માંગનો વિરોધ કરતાં રમત અને કલાને રાજકારણમાં ઘસડવા પર સવાલ ઉઠાવ્યા હતા:

● ભારત પર નિશાન: અહસાન ઇકબાલે લખ્યું કે પહેલાં રમતને હથિયાર બનાવવામાં આવી, ત્યારબાદ પાણીને અને હવે કલા તેમજ સંસ્કૃતિને નિશાન બનાવવામાં આવી રહી છે.

● અસુરક્ષાનો આરોપ: પાકિસ્તાની મંત્રીએ વધુમાં કહ્યું કે કોઈ ક્રિકેટ મેચને રાજકીય ખતરો અને એક ટીવી ડ્રામાને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સમજવા માટે આખરે કેટલા અસુરક્ષિત હોવું પડે છે? તેમણે આગળ લખ્યું કે ભારતે હવે પરિપક્વ થવું જોઈએ, ખેલાડીઓને રમવા દેવા જોઈએ, પાણીને વહેવા દેવું જોઈએ અને પ્રેક્ષકોને પોતે નક્કી કરવા દેવું જોઈએ કે તેમણે શું જોવું છે.

● પાકિસ્તાની ઇન્ડસ્ટ્રી માટે માઇલસ્ટોન: અન્ય એક પોસ્ટમાં ઇકબાલે જણાવ્યું કે નેટફ્લિક્સની આ પ્રથમ પાકિસ્તાની ઓરિજિનલ સીરિઝ પાકિસ્તાનની ડ્રામા ઇન્ડસ્ટ્રી માટે એક મોટો માઇલસ્ટોન છે. નેટફ્લિક્સ અને ડિઝની જેવા ગ્લોબલ પ્લેટફોર્મ્સ સાથે જોડાવાના સતત પ્રયાસોને કારણે જ આજે પાકિસ્તાની ટેલેન્ટ સમગ્ર વિશ્વના દર્શકો સુધી પહોંચી રહ્યું છે.

AICWA અને FWICEનો વિરોધ: 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે સીરિઝ

● આ સમગ્ર વિવાદ ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)ના આકરા વિરોધ બાદ શરૂ થયો છે. AICWAએ ભારત સરકાર પાસે પાકિસ્તાની કન્ટેન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ શોની ભારતમાં સ્ટ્રીમિંગ રોકવાની અપીલ કરી છે.

● આ શો આગામી 4 ડિસેમ્બર 2026ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાનો છે, પરંતુ વર્તમાન વિવાદ બાદ તે ભારતમાં સ્ટ્રીમ થશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

ફવાદ ખાન અને માહિરા ખાન સહિત દિગ્ગજ સિતારાઓથી સજેલી છે 8 વર્ષમાં બનેલી આ સીરિઝ

● વાર્તા અને નિર્દેશન: મોમિના દુરૈદના નિર્દેશન અને પ્રોડક્શનમાં બનેલી આ સીરિઝ જાણીતા લેખિકા ફરહત ઇશ્તિયાકની વર્ષ 2013ની બેસ્ટસેલિંગ ઉર્દૂ નવલકથા પર આધારિત છે, જેમાં 6 અલગ-અલગ પ્રેમકહાણીઓ દર્શાવવામાં આવી છે.

● તગડી સ્ટારકાસ્ટ: આ શોમાં પાકિસ્તાનના ટોચના કલાકારો ફવાદ ખાન, માહિરા ખાન, સનમ સઈદ, અહદ રઝા મીર, ઇકરા અઝીઝ, હાનિયા આમિર અને હમઝા અલી અબ્બાસી જેવા મોટા નામો સામેલ છે. અંદાજે 8 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલી આ સીરિઝનું ટ્રેલર તાજેતરમાં જ કરાચીના ઐતિહાસિક મોહટ્ટા પેલેસમાં સમગ્ર સ્ટારકાસ્ટની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ભારત સરકારની Netflixને સખત તાકીદ

  • સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને 8મે 2025ની પોતાની એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે.
  • મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાનમાં બનેલા કોઈપણ કન્ટેન્ટને ભારતમાં સ્ટ્રીમ કરવામાં ન આવે. મંત્રાલયને ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ની ભારતમાં સંભવિત રિલીઝને લઈને અનેક ફરિયાદો મળી હતી.
  • ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં નેટફ્લિક્સે પોતે મંત્રાલયને ખાતરી આપી હતી કે તેણે ભારતીય યુઝર્સ માટે પાકિસ્તાનમાં બનેલી કોઈપણ ફિલ્મ કે સીરિઝ ઉપલબ્ધ કરાવી નથી. હવે સરકારે નેટફ્લિક્સને પોતાના તે જ જૂના વચન પર કાયમ રહેવા માટે કડક સૂચના આપી છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here