વર્તમાન સમયમાં તંદુરસ્ત રહેવા માટે લોકો કલાકો સુધી જિમમાં કસરત કરે છે, પરંતુ ઘણી બધી વખત નાની-નાની આદતો પણ શરીરને ઘણો ફાયદો કરાવી શકે છે; જેમ કે પગની આંગળીઓ પર ઊભા રહેવું. આ કસરત તમે ઘર, ઓફિસ કે કોઈ પણ સ્થળે કરી શકો છો. આ અભ્યાસ પગને મજબૂત બનાવવાની સાથે શરીરને અન્ય રીતે પણ ફાયદો પહોંચાડે છે. તો ચાલો, આ એક્સરસાઇઝના નિયમિત અભ્યાસથી મળતા ફાયદા વિશે જાણીએ.
પગની આંગળીઓ પર ઊભા રહેવાથી થતા ફાયદા
- પગ અને પિંડી મજબૂત બને : જ્યારે તમે પગની આંગળીઓ પર ઊભા રહો છો, ત્યારે પિંડી અને પગના સ્નાયુઓ સક્રિય થાય છે. તેનાથી તેમાં તાકાત આવે છે અને લાંબા સમય સુધી ચાલવાની કે ઊભા રહેવાની ક્ષમતા વધે છે.
- શરીરનું સંતુલન સુધરે : ટો સ્ટેન્ડ કરવાથી શરીરનું સંતુલન સુધરે છે, જે મગજ અને સ્નાયુઓ વચ્ચે સારો તાલમેલ સાધવામાં મદદ કરે છે. ખાસ કરીને આ કસરત વૃદ્ધો માટે વધુ ઉપયોગી છે, કારણ કે તેનાથી શરીરને સંતુલિત રાખવાની ક્ષમતા વધે છે.
- રક્તપરિભ્રમણ સુધરે : આખો દિવસ બેસી રહેવાથી કે ઓછા સક્રિય રહેવાથી પગમાં રક્તપરિભ્રમણ ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં ટો સ્ટેન્ડ કરવાથી પગમાં રક્તપરિભ્રમણ સુધરે છે, જેનાથી થાક ઓછો લાગે છે.
- એડી અને ઘૂંટણને મળે છે સપોર્ટ : આ અભ્યાસ એડી અને ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી સાંધા પર પડતું વધારાનું દબાણ ઘટે છે અને દુખાવા કે જકડાઈ જવાની સમસ્યાથી રાહત મળે છે.
- પોસ્ચર સુધારવામાં મદદગાર : ખોટી રીતે બેસવાથી કે ચાલવાથી શરીરનું પોસ્ચર બગડે છે, પરંતુ પગની આંગળીઓ પર ઊભા રહેવાથી કરોડરજ્જુ સીધી રાખવામાં મદદ મળે છે અને શરીરનું પોસ્ચર સુધરે છે.
- કોર મસલ્સને સક્રિય બનાવે છે : આ કસરત દરમિયાન પેટ અને કમરના સ્નાયુઓ પણ સક્રિય થાય છે. તેનાથી શરીરની સ્થિરતા વધે છે અને કોર મજબૂત થાય છે.
- પગનો થાક ઘટે છે : જો દિવસભર ઊભા રહેવાથી કે ચાલવાથી પગમાં દુખાવો અને થાક લાગે છે, તો આ અભ્યાસ રાહત આપવામાં મદદ કરી શકે છે.

અભ્યાસની પદ્ધતિ
સીધા ઊભા રહો અને પછી ધીમે-ધીમે એડીઓને ઉપર ઉઠાવી પગની આંગળીઓ પર સંતુલન સાધો. 10–15 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો, ત્યારબાદ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આ રીતે 8–10 વખત પુનરાવર્તન કરો.

