મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. તેઓ સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહા શ્રમદાનના કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અમદાવાદમાં 1877 મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો
સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 2.97 લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. 1877 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં 5495 જેટલા મુખ્ય રસ્તાઓ, 3677થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ 3229થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી
મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

