ભારત દેશ વિવિધતાઓ અને માન્યતાઓથી ભરેલો દેશ છે અને આજ આપણાં દેશની સુંદરતા પણ છે, પરંતુ મહાકાલ નગરી તરીકે પ્રખ્યાત ઉજ્જૈનમાં એક એવી માન્યતા છે જે સીધી મુખ્યમંત્રી સાથે જોડાયેલ છે. જેના વિશે વાંચીને આજે તમને પણ ખૂબ આશ્ચર્ય થશે.
ઉજ્જૈનમાં નથી રોકાતા મુખ્યમંત્રી
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરને ભારતીય હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે ઉજ્જૈન નગરી દેવાધી દેવ મહાકાલની નગરી છે. વિશ્વભરમાં પ્રખ્યાત અને દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અહીં આવેલું છે. ભારતના હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન મોક્ષ આપનારા છે પરંતુ આ મહાકાલની નગરી રાજ્યના મુખ્યમંત્રી માટે બિલકુલ સલામત નથી માનવામાં આવતી. માન્યતા છે કે અહીયા કોઈ મુખ્યમંત્રી રાત્રી રોકાણ નથી કરી શકતા.
મુખ્યમંત્રી માટે શાપ છે આ શહેર
મહાકાલની નગરી ઉજ્જૈન સાથે એક વિચિત્ર માન્યતા જોડાયેલ છે જે મુખ્યમંત્રી સાથે સીધો સંબંધ ધરાવે છે. માન્યતા એવી છે કે મહાકાલની નગરી ઉજ્જૈનમાં કોઈ રાજા રાતવાસો નથી કરી શકતો અને જો કોઈ રાજા આવું કરવાની હિમાકત કરે છે તો તેનું રાજપાટ નાશ પામે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને ત્યાંનાં રિવાજ મુજબ જનતાના રાજા માનવામાં આવે છે જેના કારણે કોઈ પણ મુખ્યમંત્રી રાત્રે મહાકાલની નગરી ઉજ્જૈનમાં નથી રોકાતા કેમકે જો તેઓ રોકાય તો સત્તા પરથી દૂર થવાનો ભય તેમને ડરાવે છે.
વિક્રમાદિત્યના સમયની માન્યતા
મહાકાલની નગરી ઉજ્જૈન સાથે જોડાયેલ આ માન્યતાનું અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક કારણ કે પુરાવો નથી મળ્યો, પરંતુ હજુ પણ આ પૌરાણિક કથાને કારણે, મુખ્યમંત્રી કે પીએમ રાત્રે રોકાતા નથી. તેઓ દર્શન કર્યા પછી ઉજ્જૈન છોડી દે છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે વિક્રમાદિત્યના શાસન પછી, કોઈ રાજા ઉજ્જૈનમાં રોકાવાની ભૂલ નથી કરતો.
મહાકાલેશ્વર મંદિરની ખાસ વાતો
સ્વયંભુ શિવલિંગ:- આ મંદિરમાં સ્થાપિત શિવલિંગને સ્વયંભુ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે કોઈ દ્વારા સ્થાપિત નહીં, પણ પોતાની મેળે પ્રગટ થયું છે.
દક્ષિણમુખી શિવલિંગ:- મહાકાલેશ્વર મંદિરનું જ્યોતિર્લિંગ દક્ષિણમુખી છે, જે તેને અન્ય જ્યોતિર્લિંગોથી અલગ બનાવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં ઓમકારેશ્વર શિવની મૂર્તિ પણ સ્થાપિત છે.
ભસ્મારતી:- મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવે છે, જે વિશ્વનું એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં આ પ્રથા ચાલી રહી છે.
નાગચંદ્રેશ્વર મંદિર:- મંદિરના ત્રીજા માળે નાગચંદ્રેશ્વર મંદિર છે, જે વર્ષમાં ફક્ત એક જ વાર નાગપંચમીના દિવસે દર્શન માટે ખુલે છે.
ગણતરીનું કેન્દ્ર:- પ્રાચીન સમયમાં ભારતીય સમયની ગણતરી માટે મહાકાલેશ્વર મંદિરને પણ કેન્દ્રિય બિંદુ માનવામાં આવતું હતું.


