દર વર્ષે દેશની આઝાદીનું પર્વ 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવું શહેર છે જ્યાં 15 ઓગસ્ટના રોજ નહીં, પરંતુ 14 ઓગસ્ટની રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે. શું તમે તેના વિશે જાણો છો?
આ પરંપરા 1947થી દેશ આઝાદ થયો ત્યારથી શરૂ થઇ
બિહારના પૂર્ણિયા જિલ્લામાં સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એક અનોખી પરંપરા વર્ષોથી ચાલી રહી છે, જે તેને દેશભરમાં ખાસ બનાવે છે. અહીં તિરંગો 15 ઓગસ્ટની સવારે નહીં, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટની રાત્રે ફરકાવવામાં આવે છે. આ પરંપરા 1947માં સ્વતંત્રતા સમયે શરૂ થઈ હતી અને ત્યારથી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ છે. સ્થાનિક લોકો માટે, આ ફક્ત ધ્વજવંદન કાર્યક્રમ નથી, પરંતુ આ કાર્યક્રમનો ઉદ્દેશ ઐતિહાસિક ક્ષણને યાદ કરવાનો છે.
14 ઓગસ્ટની રાત્રે અહીંનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહી હોય છે
14 ઓગસ્ટની રાત્રે અહીંનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહી હોય છે – લોકો ઘરો, શેરીઓ અને શાળાઓને રોશનીથી ઝગમગાવે છે, દેશભક્તિના ગીતો ગાય છે અને તિરંગાને સલામી આપે છે. આ અનોખા કાર્યક્રમનો હેતુ સ્વતંત્રતાની ઐતિહાસિક ક્ષણને યાદ કરવાનો છે, જ્યારે દેશને પહેલીવાર બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.
14 ઓગસ્ટની રાત્રે ધ્વજ કેમ ફરકાવવામાં આવે છે?
1947માં, રેડિયો દ્વારા રાત્રે 12.01 વાગ્યે આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. તે જ સમયે, સ્વતંત્રતા સેનાની રામેશ્વર પ્રસાદ સિંહે તેમના સાથી રામરતન શાહ અને શમશુલ હક સાથે પૂર્ણિયાના ઝંડા ચોક ખાતે તિરંગો ફરકાવ્યો હતો. તેમણે મીઠાઈઓ વહેંચીને આઝાદીની ઉજવણી કરી હતી. આ પરંપરા ત્યારથી શરૂ થઈ હતી, જે પેઢી દર પેઢી ચાલી આવી છે.
અહીના લોકોનું માનવુ છે કે વાઘા બોર્ડર પછી આ દેશનું એવુ સ્થાન છે, જ્યાં અડધી રાત્રે તિરંગો લહેરાવવામાં આવે છે. આ ફક્ત પરંપરા નથી, પણ આઝાદીની એ ભાવનાનું પ્રતીક છે, જેમાં કેટલાક લોકો દેશ પહેલા આઝાદીનો ઉત્સવ મનાવી લે છે.


