કેન્દ્ર સરકાર દ્વારા કપાસની મુક્ત આયાત કરવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાત દ્વારા ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારના કપાસ પરના તમામ વેરા દૂર કરવાના નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માગણી કરી છે, કારણ કે આ નિર્ણય ભારતીય ખેડૂતોના હિત માટે હાનિકારક છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સસ્તા અમેરિકન કપાસની વેરામુક્ત આયાત સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડશે. ઓક્ટોબર મહિનાથી સ્થાનિક બજારમાં કપાસનો નવો પાક આવવાનો છે, ત્યારે આયાતી કપાસના કારણે ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પાર્ટીએ સરકારને યાદ અપાવ્યું છે કે અમેરિકન ખેડૂતોને વાર્ષિક રૂ. 54 લાખની સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં ખેતી કરે છે. આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોના હિતોના રક્ષણના વચનની યાદ અપાવીને કપાસ પરના દૂર કરાયેલા વેરા તાત્કાલિક ફરીથી લાગુ કરવાની માગણી કરી છે.
પક્ષ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કૃષિ ક્ષેત્રને આ નિર્ણયથી અસર થશે, તો તે દેશની અર્થવ્યવસ્થા માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થશે. ‘આપ’એ સરકારને તાત્કાલિક પગલાં ભરીને ખેડૂતોના ભવિષ્યનું રક્ષણ કરવા વિનંતી કરી છે.


