શક્તિપીઠ બહુચરાજી માતાના મંદિરમાં ભાદરવા સુદ પૂનમના દિવસે આવનારા ચંદ્રગ્રહણને કારણે આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર ભક્તોને ગ્રહણકાળ દરમિયાન દર્શન અને પૂજામાં કોઈ અડચણ ન આવે તે માટે કરવામાં આવ્યો છે. 7 સપ્ટેમ્બરના રોજ આ ફેરફાર અમલમાં રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સમયસૂચિ મુજબ ચંદ્રગ્રહણના દિવસે મંદિર સવારે 5 વાગ્યે ખુલશે.
આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરાયો
મંગળા આરતીનો સમય સવારે 6:30 કલાકે અને રાજભોગ આરતીનો સમય સવારે 10:30 કલાકે કરવામાં આવ્યો છે. સાંજે થતી આરતીનો સમય પણ બદલવામાં આવ્યો છે. જે હવે બપોરે 2:30 કલાકે થશે. સામાન્ય રીતે સાંજે યોજાતી પાલખી પૂજાના સમયમાં પણ ફેરફાર કરતા તેને વહેલી કરવામાં આવી છે. પાલખી પૂજા સાંજે 4 થી 4:30 કલાકે થશે અને પાલખી યાત્રા સાંજે 6 વાગ્યે નિજ મંદિરે પરત ફરશે.
સાંજે 6 વાગે બહુચરાજી મંદિર બંધ કરવામાં આવશે
તેમજ ચંદ્રગ્રહણના કારણે મંદિર સાંજે 6 વાગ્યે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય ગ્રહણકાળ દરમિયાન ધાર્મિક વિધિઓની પવિત્રતા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. ભક્તોને આ બદલાયેલા સમય પ્રમાણે દર્શન અને પૂજાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.


