વાગરા : દહેજની SRF કંપનીમાં અકસ્માત, 5 યુવાનો ગંભીર રીતે દાઝ્યા, કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાથી કંપનીએ હાથ ખંખેર્યા

0
265
meetarticle

વાગરા તાલુકાની દહેજ જીઆઇ.ડી.સી. સ્થિત જોલવા ગામ પાસે આવેલી SRF કંપનીમાં બપોરે ૧૧ વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં પાંચ યુવાનો દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા. તેમણે પાંચેય યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુલેમાન પટેલે જણાવ્યું હતું કે SRF કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી. અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે SRF કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો. આ પાંચેય યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કંપનીએ કોઈ પણ પ્રકારના વળતરની જાહેરાત તો છોડો, પણ યુવાનોના ખબરઅંતર પણ પૂછ્યા ન હતા. સુલેમાન પટેલે ઉમેર્યું કે આ યુવાનો ગરીબ પરિવારોમાંથી આવે છે. તેમનો આખો પરિવાર આ અકસ્માતને કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે. આવા પરિવારો પર શું વીતી રહી છે, તે માત્ર તેઓ જ જાણે છે.

હોસ્પિટલના ધક્કા ખાતા પરિવારોને કોંગ્રેસ નેતાનો સહારો, તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ. : સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલાં નહીં લેવાય, તો ગરીબ યુવાનોનો ભવિષ્ય બરબાદ થઈ જશે. કોંગ્રેસ આગેવાને SRF કંપનીના સત્તાધીશો પાસે માગ કરી છે કે તેઓ વહેલી તકે ઈજાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વળતરની જાહેરાત કરે. આ ઘટના સમયે સુલેમાન પટેલની સાથે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, મહેન્દ્રસિંહ રાજ, અટાલી સુરેશ પરમાર અને કડોદરાના આગેવાનો હાજર રહ્યા હતા અને યુવાનોને મદદ કરી હતી. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓ અને સરકારી તંત્રની બેદરકારી કેટલી ગંભીર છે. આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે, જે ગરીબ અને નિઃસહાય શ્રમિકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે.

વારંવાર બનતી દુર્ઘટનાઓ રોકવા તંત્રએ કડક કાર્યવાહી કરવી જ પડશે : ​ઔદ્યોગિક એકમોમાં વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવી એજન્સીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી સીમિત રહી છે. જો આ બેદરકારી પર અંકુશ નહીં આવે તો, ગરીબ શ્રમિકોનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહેશે.
​આ સ્થિતિને અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવું અનિવાર્ય છે. માત્ર નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે જવાબદાર કંપનીઓ અને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય. શ્રમિકોની સુરક્ષાને માત્ર કાગળ પરના નિયમો નહીં, પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે. જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેનો ભોગ બનતા રહેશે.

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here