વર્ષ 2015 માં સુરતના વરાછા પોલીસ મથકમાં 15 લાખની ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વલસાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વલસાડ જિલ્લામાં ભીલાડ ત્રણ રસ્તા નજીકથી આરોપી મંસારામ ઉર્ફે બંસીરામ ગોદાજી પ્રજાપતિ [ઉ.37]ને ઝડપી પાડ્યો હતો.
આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાનો વતની છે.
પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2015માં હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતો સુરેશ પ્રજાપતિ, પ્રભુરામ પ્રજાપતિ, ઢોલારા બિસ્નોઈ અને દિનેશ બિસ્નોઈએ મળી એકબીજાની મદદગારીથી ગત તા. 06/10/2015 ના રોજ રાત્રીના સમયે સુરતના વરાછા રોડ ગીતાંજલી પેટ્રોલપંપની સામે રાજહંસ હાઉસમાં આવેલી ઓફિસમાં બીજા માળે જઈ શ્રીજી ઓફીસના લોખંડની ગ્રીનવાળા દરવાજાનું તાળું તથા ત્રીજા માળની ઓફીસનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને કેબીનનો દરવાજો ગેસ કટરથી તોડી કેબીનમાંથી 45 હજારની કિમંતના 6 આઈફોન મોબાઈલ અને રોકડા રૂપિયા 15,11,500 મળી કુલ 15,56,500 ની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં આરોપી સુરેશ પ્રજાપતિ અને પ્રભુરામ પ્રજાપતિને સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2015માં પકડી પાડી ગુનો ડિટેકટ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં હાલમાં પકડાયેલો આરોપી બંસીરામ પ્રજાપતિ આજદિન સુધી પકડાયેલો ના હતો તેના વિષે પોલીસે રાજસ્થાન ખાતે તપાસ કરાવતા તે વલસાડ જિલ્લામાં કોઈ જગ્યાએ મોબાઈલ ફોનની દુકાન ચલાવતો હોવાની માહિતી મળી આવી હતી જે આધારે આશરે ચારેક મહિના સુધી પોલીસ દ્વારા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપીને વલસાડ જિલ્લામાં ભીલાડ ખાતે મોબાઈલ ફોનની દુકાન ચલાવતો હોવાની હક્કિત મળી આવી હતી અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


