રાજધાની દિલ્હીમાં હાઇ સુરક્ષા વાળા વિસ્તાર ચાણક્યપુરીમાંથી સાંસદ સુધાની સોનાની ચેઇન ચોરાઇ ગઇ હતી. પરંતુ હવે મામલો ઉકેલાઇ ગયો છે. ચેઇન લૂંટનારને પોલીસે ઝડપી લીધો છે. મહત્વનું છે કે સાંસદ સુધા રામકૃષ્ણનની ચેન પણ મળી આવી છે. આ ઘટના સોમવારે સવારે બની હતી.
ક્યાંનો છે આરોપી ?
મળતી માહિતી મુજબ ચાણક્યપુરીમાં સાંસદની ચેન છીનવી લેવાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપી દિલ્હીના ઓખલાનો રહેવાસી છે. પોલીસે સોનાની ચેન તેમજ આરોપીનું સ્કૂટી પણ જપ્ત કર્યુ છે. પોલીસે ઘટના સમયે આરોપીએ પહેરેલા કપડાં પણ જપ્ત કર્યા છે.
કેવી રીતે ઝડપાયો આરોપી ?
નવી દિલ્હી પોલીસે આ કેસમાં દક્ષિણ દિલ્હી જિલ્લા પોલીસની પણ મદદ મેળવી. બંનેના સંયુક્ત ઓપરેશનથી કાર્યવાહી કરવામાં આવી. ઘટનાને પગલે દિલ્હી પોલીસે આરોપીઓને પકડવા 10થી વધારે ટીમ બનાવી હતી. સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ સાથે પણ વાત કરવામાં આવી હતી અને ઘટનાના સમયે વિસ્તારમાં થઇ રહેલી શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ કરવામાં આવી હતી.અનેક સીસીટીવી જોયા બાદ પોલીસ રૂટની તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યો.
સોમવારે બની હતી ઘટના
દિલ્હીના ચાણક્યપુરીમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. . તમિલનાડુના મયીલા઼ડૂતુરેની કોંગ્રેસની સાંસદ એમ સુધા એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે. તેઓ સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને બાઇક પર સવાર લુખ્ખા તત્વોએ સોનાની ચેઇનને ગળામાંથી ખેંચીને ફરાર થઇ ગયા હતા.
સ્પીકર, પોલીસ અને ગૃહમંત્રીને કરી ફરિયાદ
ઘટનાને પગલે એમ. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.. જેમાં કહ્યું હતું કે આ હુમલાથી મારી ગરદન પર ઇજા પહોંચી. મારી સોનાની ચેઇન લૂંટી લીધી છે અને આ સમયે હું દુઃખમાં છું. સાથે જ તેમણે સવાલ એમ પણ ઉઠાવ્યો કે જો રાષ્ટ્રીય રાજધાનીના ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં એક મહિલા ચાલી પણ ન શકે તો અમે બીજે ક્યાં સુરક્ષિતઅનુભવીશું ? મહત્વનું છે કે ઘટના બાદ કોંગ્રેસની લોકસભા સભ્ય પ્રિયંકા ગાઁધી સુધાને લઇને લોકસભા સ્પીકર પાસે ગયા અને આ મામલે ફરિયાદ કરી હતી.


