GUJARAT : વડતાલધામ ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો ૫૯મો જન્મદિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

0
81
meetarticle

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર તીર્થધામ વડતાલધામના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો ૫૯મો જન્મદિવસ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આચાર્ય મહારાજના જન્મદિન નિમિત્તે ૩૦મી જુલાઈ, બુધવારના રોજ વડતાલધામના નિજમંદિરમાં દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનનું આયોજન S.G.V.P. ગુરુકુળ, અમદાવાદના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી અમદાવાદના ભાવેશભાઈ પરમાનંદભાઈ નિંબાર્ક પરિવારે કર્યું હતું.


આ પ્રસંગે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૧૩૦મી રવિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આચાર્ય મહારાજની ભાવવંદના પર્વ તરીકે ઉજવાઈ હતી. આ સભામાં વડતાલ, ગઢડા, જૂનાગઢ અને ધોલેરા દેશના સંતો-મહંતો, તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ આ સભામાં શિક્ષાપત્રી વિશે કથા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષાપત્રી એ ભગવાન શ્રી સ્વામિનારાયણનું વાગ્મય સ્વરૂપ છે અને તે માનવજીવન જીવવાની એક વ્યવહારુ માર્ગદર્શિકા છે. તેમણે સનાતન સંસ્કૃતિના ચિહ્નો જેવા કે કપાળમાં તિલક-ચાંદલો અને શીખાનું મહત્વ પણ સમજાવ્યું હતું.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે તેમના કાર્યકાળમાં અત્યાર સુધીમાં 918 પાર્ષદોને દીક્ષા આપી છે. જેમાં વડતાલના ૪૭૦, જૂનાગઢના ૩૭૭, ગઢપુરના ૬૩ અને ધોલેરાના ૮ પાર્ષદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે U.S.A., લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા દેશોમાં વિચરણ કરી સત્સંગનું સંવર્ધન કર્યું છે અને અનેક મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. વડતાલધામ દ્વારા એક જ વર્ષમાં વિદેશમાં ત્રણ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા આચાર્ય મહારાજના હસ્તે સંપન્ન થઈ છે. જે એક મોટી સિદ્ધિ છે.આ પ્રસંગે ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી દેવપ્રકાશ સ્વામી, અને અન્ય અગ્રણી સંતોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને મહારાજને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

REPORTER : નરેશ ગનવાણી નડિયાદ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here