વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાનું આગમન થતાં લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી માત્ર ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે લોકો ગરમી અને બફારાથી પરેશાન હતા. પરંતુ આજે સવારથી વાદળછાયા માહોલ વચ્ચે શરૂ થયેલા વરસાદે આખા વાતાવરણમાં ઠંડક પ્રસરવી દીધી છે. આ વરસાદની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાએ મહેર કરતા વાતાવરણ ખુશનુમા બન્યું છે.
કરજણમાં વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ
વરસાદ શરૂ થતાં જ કરજણ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે આ સમસ્યા સર્જાઈ હતી જે સ્થાનિક નાગરિકો માટે થોડી અગવડભરી રહી. તેમ છતાં, લોકો વરસાદના આગમનથી ખુશ છે કારણ કે આ વરસાદ ખેતી પાકો માટે ખૂબ જ જરૂરી હતો. અત્યાર સુધી અપૂરતા વરસાદને કારણે ખેડૂતો ચિંતિત હતા પરંતુ આ વરસાદથી તેમના પાકને નવજીવન મળવાની આશા બંધાઈ છે.
ખેડૂતોમાં આનંદો
આ વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઇ છે અને હવે તેઓને પોતાન પાક બચી જશે તેવી આશા છે. આ વરસાદ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ પાણીના સ્તરને ઊંચું લાવવામાં અ પણ મદદરૂપ થશે. જોકે હવે પછી પણ સારો વરસાદ પડે તે જરૂરી છે જેથી પાણીની કાયમી સમસ્યા હાલ થઇ શકે. આશા રાખીએ કે આ વરસાદની શરૂઆત છે અને આગામી દિવસોમાં પણ મેઘરાજા મહેર કરતા રહેશે.


