ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા હાંસલ કરી છે. અંકલેશ્વરના બાઇક ચોરીના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એસ.આઈ. આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, બાતમી મળી હતી કે બાઇક ચોરીના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી ફરાર વિનુભાઈ દુલીયાભાઈ ભીલાલા (રહે. ભોલવાંટ, તા. કઠ્ઠીવલા, જી. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ના ગોલ્ડન પોઈન્ટ પાસે હાજર છે.
બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિનુ ભીલાલાને ગોલ્ડન પોઈન્ટ ખાતેથી ઝડપી પાડયો હતો.નોંધનીય છે કે વિનુ ભીલાલા વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં આઇ.પી.સી. કલમ ૩૭૯ અને ૧૧૪ હેઠળ બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અન્ય બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ વિનુ પોલીસ પકડથી સતત ભાગી રહ્યો હતો. આખરે, ૯ વર્ષ બાદ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસને હવાલે કર્યો છે. આ સફળતાથી પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


