અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા અને તેના કારણે સર્જાતી અસ્વચ્છતાને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ‘ABC Rules-2023’ના નિર્દેશોનું પાલન કરતા તંત્રએ શહેરભરમાં 100 નિર્ધારિત ફિડિંગ સ્પોટ નક્કી કર્યાં છે. હવેથી નાગરિકોએ માત્ર આ નક્કી કરેલા સ્થળોએ જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે.
મળતી માહિતી અનુસાર, AMC દ્વારા અમદાવાદના તમામ 7 ઝોન અને 48 વોર્ડમાં તપાસ કર્યા બાદ 100 ડોગ ફિડીંગ સ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે. નક્કી કરાયેલા 100 સ્પોટ પર તંત્ર દ્વારા ખાસ બેનર્સ અને બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેથી નાગરિકોને જાણકારી મળી રહે. આ તમામ સ્થળોની સંપૂર્ણ યાદી ટૂંક સમયમાં જ AMCની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. જરૂરિયાત મુજબ અને વિવિધ સંસ્થાઓ સાથે પરામર્શ કર્યાં બાદ આગામી સમયમાં વધુ સ્પોટ ઉમેરવાની પણ વિચારણા છે.

તંત્રએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને કડક અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ જાહેર રસ્તા, ફૂટપાથ કે સોસાયટીના નાકે ગમે ત્યાં શ્વાનને ખોરાક કે પાણી આપતા પકડાશે, તો પબ્લિક હેલ્થ બાય-લોઝ હેઠળ તેની પાસેથી કડક દંડ વસૂલવામાં આવશે. લોકોમાં આ નવા નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ખાસ ‘IEC કેમ્પેઈન’ હાથ ધરવામાં આવશે.
AMCના આ નિર્ણય પાછળ મુખ્યત્ત્વે બે હેતુઓ રહેલા છે. પ્રથમ, જાહેર માર્ગો પર શ્વાનને ખવડાવવાના કારણે થતી અસ્વચ્છતા દૂર કરવી અને બીજું, ખોરાક મેળવવા માટે શ્વાનો વચ્ચે થતી લડાઈથી રાહદારીઓ પર થતા હુમલા ઘટાડવા. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ આદેશ બાદ હવે પ્રાણીપ્રેમીઓએ પણ શ્વાનને ખોરાક આપવા માટે નિર્ધારિત કરેલા સ્પોટ પર જ જવું પડશે.

