AHMEDABAD : આજની કડવી વાત: ટિકિટ મળે તો ‘દેશ’ બદલીશું, નહીં તો ‘પક્ષ’ બદલીશું!

0
22
meetarticle

અમદાવાદ:
ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સાથે જ શરૂ થયો છે ‘સેવાભાવી’ નેતાઓનો સૌથી મોટો સર્કસ. અત્યારે નેતાઓના મુખે એક જ રાગ છે: “મારે તો બસ જનતાની સેવા કરવી છે.” પણ આ સેવા પાછળની શરત બહુ મોટી છે. જો ટિકિટ મળે તો જ દેશ સેવાનું ઝનૂન ચડે છે, અને જો ટિકિટ ન મળે તો રાતોરાત જે પક્ષ ‘માતા’ સમાન હતો એ ‘દુશ્મન’ બની જાય છે.
પક્ષ પલટો: સેવા માટે કે સત્તા માટે?


ગઈકાલ સુધી જે પક્ષની વિચારધારાના સોગંદ ખાતા હતા, જે પક્ષના નેતાઓને ગાળો આપતા હતા, આજે ટિકિટની લાલચમાં એ જ નેતાઓના પગ પકડતા આ શુરવીરોને શરમ નથી આવતી. નેતાઓનો નવો મંત્ર છે:
“ટિકિટ મળે તો દેશ બદલી નાખીશું, અને ટિકિટ ના મળે તો પાર્ટી બદલી નાખીશું… પણ સેવા તો કરીને જ જંપીશું!”
આ કેવી અજીબ સેવા છે? શું સેવા કરવા માટે કોઈ ચોક્કસ ચિહ્ન કે સત્તાની ખુરશી હોવી અનિવાર્ય છે? શું પક્ષ વગર જનતાની વચ્ચે રહીને કામ નથી થઈ શકતું? જવાબ સ્પષ્ટ છે – અહીં સેવા એ માત્ર મહોરું છે, અસલી ચહેરો તો ‘સત્તા’નો ભૂખ્યો છે.
વિચારધારા ગઈ તેલમાં, અમને આપો ટિકિટ જેલમાં!
આજના નેતાઓને કોઈ વિચારધારા નડતી નથી. સવારે જે ‘ઝંડો’ પકડ્યો હોય, સાંજે બીજા પક્ષનો ‘ખેસ’ પહેરતા મિનિટ પણ નથી લાગતી. જનતા બિચારી પક્ષના નામે અંદરોઅંદર લડે છે, અને નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને ‘સેટિંગ’ પાડે છે. આ નેતાઓ માટે દેશપ્રેમ એ માત્ર ચૂંટણી પ્રચારનું સાધન છે, બાકી એમનો અસલી પ્રેમ તો ‘સીટ’ પ્રત્યે છે.
જનતા ક્યાં સુધી છેતરાશે?
નેતાઓ તો ગમે તે પક્ષમાં જઈને ‘સેવા’ના નામે લૂંટ ચલાવશે, પણ સવાલ જનતાને છે. શું આપણે એવા લોકોને ફરી વિજયી બનાવીશું જેમના પોતાના કોઈ સિદ્ધાંત નથી? જે નેતા પોતાના પક્ષનો સગો ના થયો, એ જનતાનો સગો ક્યારેય થશે?
પાક્કો ગુજરાતનો સવાલ:
રાજકારણ હવે દેશ સેવાનું માધ્યમ નહીં, પણ ‘ટિકિટ’ અને ‘પાર્ટી’ બદલવાનો બિઝનેસ બની ગયો છે. આવા નેતાઓ દેશ બદલશે કે પોતાનું નસીબ? નિર્ણય તમારે કરવાનો છે.

  • પવન માકન
    (ગ્રુપ એડિટર – પાક્કો ગુજરાત)
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here