ટ્રેનિંગના રૂપિયા પરત માંગવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક જાણીતા જિમમાં પર્સનલ ટ્રેનિંગની ફી પરત લેવા બાબતે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, એક યુવતીએ આશરે દોઢ વર્ષ પહેલાં જિમમાં પર્સનલ ટ્રેનિંગ માટે 32 હજાર રૂપિયા ભર્યા હતા. આ રૂપિયા પરત મેળવવા માટે યુવતીનો મિત્ર જિમ પર પહોંચ્યો હતો. ટ્રેનિંગના રૂપિયા પરત માંગવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
યુવતીના મિત્રએ ઉશ્કેરાઈ જઈને જિમના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોર યુવકે સિક્યુરિટી ગાર્ડ અને ફરિયાદીને પકડીને જિમના ચેન્જિંગ રૂમમાં લઈ જઈ પશુતાપૂર્વક માર માર્યો હતો, જેના કારણે જિમમાં હાજર અન્ય સભ્યોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ મામલે જિમ સંચાલકો દ્વારા આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

