AHMEDABAD : કાયદેસરના લાયસન્સ છતાં અન્યાય કેમ? ભદ્રના પાથરણાવાળાને ‘વિકાસ’ના નામે કોર્પોરેશને રઝળાવ્યાનો આરોપ

0
28
meetarticle

અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં પેઢીઓથી રોજગારી મેળવતા પથારાવાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે છેલ્લા એક દાયકાથી હકની લડાઈ ચાલી રહી છે. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ કાર્ય વખતે શરૂ થયેલો આ વિવાદ અત્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ માટે ‘સેવા’ જેવી સંસ્થાઓ શ્રમિકોના પક્ષે કાયદાકીય લડત લડી રહી છે. ફેરિયા સુરક્ષા કાયદા હેઠળ સેંકડો વેપારીઓને લાયસન્સ મળ્યા હોવા છતાં, ટ્રાફિક અને દબાણના નામે તેમને વારંવાર હટાવવામાં આવે છે. તાજેતરમાં કોર્પોરેશને હાઈકોર્ટના આદેશ છતાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે વેપારીઓને પાનકોર નાકાના સૂમસામ પ્લોટમાં ધકેલી દીધા છે. આ નિર્ણયને કારણે કાયદેસરના વેન્ડિંગ કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

 શું છે સમગ્ર મુદ્દો

આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પથારાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતા પથારાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં ‘સેવા’ (SEWA) અને ‘સેલો’ (SELO) જેવી સંસ્થાઓએ 60-70 વર્ષ જૂના પુરાવા અને 2014ના ફેરિયા અંગેના કાયદાના આધારે પથારાવાળાના હક માટે પીઆઈએલ દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી.

છેવટે એક યાદી તૈયાર કરીને ફેરિયાઓને લાયસન્સ 

વર્ષ 2014માં કોર્પોરેશન દ્વારા પતરા મારીને પ્લોટ કવર કરવાથી થઈ હતી, જેની સામે પથારાવાળાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન કાયદા પ્રમાણે ફેરિયાઓને સમાવવા માટે મોટી ફૂટપાથ બનાવવાનું નક્કી થયું હતું અને લાંબી પ્રક્રિયા બાદ સેવાના 372 અને સેલોના 472 કાયદેસરના સભ્યોની યાદી ફાઈનલ કરી તેમને લાયસન્સ અપાયા હતા. જો કે, સમય જતાં ટ્રાફિક અને ગેરકાયદે દબાણોના બહાને કોર્પોરેશન અને પોલીસ દ્વારા બજાર બંધ કરાવવાના પ્રયાસો થયા.અત્યારે પણ તાજેતરમાં આ બજાર ખાલી કરાવવામાં જ વધુ રસ લેવાઈ રહ્યો છે. હાલ આ મામલો હાઈકોર્ટમાં છે, જ્યાં કોર્ટે પથારાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ત્રણ પ્લોટ (A, B અને C) ફાળવવાનો આદેશ આપ્યો છે, પરંતુ કોર્પોરેશન ભદ્ર પરિસર પાસેના પ્લોટ Cમાં વેપારીઓને બેસવા દેવા તૈયાર નથી.

ફેરિયાઓ અને સેવાના આગેવાનો આવતા નથીઃ કોર્પોરેશન

આ બાબતે ગુજરાત સમાચારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ મેટર અત્યારે કોર્ટમાં છે અને કોર્ટના આદેશ મુજબ એમને A (પાનકોર નાકા) અને B (ઢાલગરવાડ) પ્લોટમાં પાથરણાવાળા માટે જગ્યા આપી ખસેડ્યા છે. અમે આ બાબલે વેન્ડિંગ કાર્ડ ધરાવતા પાથરણાવાળા અને સેવા સંસ્થાના આગેવાનોને મળવા બોલાવીએ છીએ પણ આવતા નથી.’

આ બાબતે પાથરણાવાળાના સંગઠનના પ્રમુખ અને આગેવાને કહ્યું હતું કે, ‘અમે રમ્ય ભટ્ટ અને અને મ્યુનિસિપલ કમિશનરને ઘણીવાર મળ્યા છીએ પણ તેઓ અમને ફાળવેલી ફૂટપાથ અને C પ્લોટમાં પણ બેસવા દેવા માટે તૈયાર નથી અને સ્પષ્ટ ના પાડે છે.’

‘ભદ્રના ફેરિયાઓને પણ લૉ ગાર્ડનની જેમ જગ્યા ફાળવો’

ભદ્રના પાથરણાવાળાના સંગઠનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, ‘અમારી પાસે કોર્પોરેશનના કાયદેસરના લાયસન્સ (વેન્ડિંગ કાર્ડ) હોવા છતાં કોર્પોરેશન ફાળવેલી જગ્યાએ બેસવા દેતું નથી. નવરાત્રિમાં ફૂટપાથ પરથી હટાવી વૈકલ્પિક પ્લોટમાં ખસેડાયા બાદ, ત્યાં 25 દિવસથી કોઈ જ ધંધો ન થતા ફેરિયાઓની આર્થિક સ્થિતિ દયનીય થઈ ગઈ છે. દૂરના વિસ્તારોમાંથી આવતા ગરીબ પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘર ચલાવવા માટે ઘરેણાં ગિરવે મૂકવા મજબૂર બન્યા છે. અમારી માંગ છે કે લૉ ગાર્ડનની જેમ ભદ્રમાં પણ મોટી ફૂટપાથ પર વ્યવસ્થિત જગ્યા ફાળવાય, જેથી ટ્રાફિકને નડ્યા વગર તેઓ વેપાર કરી શકે. સરકારને વિનંતી કરી છે કે ગરીબોના ભોગે ડેવલપમેન્ટ કરવાના બદલે વડોદરાની જેમ અહીં પણ યોગ્ય કાયમી વ્યવસ્થા કરવામાં આવે.’

પાથરણાવાળા કાયદેસર હોય તો તેમને સપોર્ટ કરો’

આ મુદ્દે અમારી ટીમે આસપાસના લોકો સાથે પણ વાત કરી. અહીં પાર્કિંગ કરવા આવેલા પૂનમ શાહ નામના નાગરિકને પણ આ મુદ્દે સવાલ કર્યો. તેમણે કહ્યું કે, ‘અમે ભદ્રકાળી મંદિર પાસેથી પસાર થયા ત્યારે ત્યાં બધી જગ્યા ખાલી જોઈને તેમને નવાઈ લાગી હતી. ત્યાર પછી પાનકોર નાકાએ પાર્કિંગ કરવા ગયા, ત્યારે મને જાણ થઈ કે ભદ્રકાળી પાથરણા બજારને અહીં ડાયવર્ટ કરાયું છે. જો આ પાથરણાવાળા કાયદેસર હોય તો તંત્રએ તેમને સપોર્ટ કરવો જોઈએ કારણ કે તેમને અહીં એટલો પ્રતિસાદ કે વકરો નથી મળી રહ્યો જેટલો અગાઉની જગ્યાએ મળતો હતો.’

‘નવો પ્લોટ વન-વે વિસ્તારમાં હોવાથી કોઈ આવતું નથી’

ભદ્ર વિસ્તારમાં ચીજવસ્તુઓ વેચવા કોર્પોરેશન અને સેવા સંસ્થાનું વેન્ડિંગ કાર્ડ ધરાવતા પાથરાવાળા રમીલાબેને જણાવ્યું કે, ‘ભદ્રથી પાનકોર નાકાના પાર્કિંગ પ્લોટમાં ખસેડાયા બાદ અમારો ધંધો સાવ બંધ થઈ ગયો છે. અગાઉ રોજના 500-600 રૂપિયાની કમાણી થતી, પરંતુ હવે પરિવારને જમાડવાના પણ ફાંફા હોવાથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડે છે. નવો પ્લોટ વન-વે વિસ્તારમાં અને જર્જરિત હોવાથી ગ્રાહકો આવતા નથી, જેના કારણે ફેરિયાઓની હાલત કફોડી બની છે. સરકારને વિનંતી છે કે તેમને મૂળ જગ્યાએ પરત બેસવા દેવામાં આવે જેથી તેઓ સન્માનપૂર્વક ગુજરાન ચલાવી શકે.

‘ફેરિયા દાગીના ગિરવે મૂકવા કે વ્યાજે પૈસા લેવા મજબૂર’ 

આ અંગે ભદ્ર વિસ્તારના ફેરિયા સંગઠનના આગેવાન રાજેશભાઈ સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટ દ્વારા ઓળખ કરાયેલા 844 ફેરિયાને હાલ ભદ્ર પ્લાઝાથી હટાવી પાનકોર નાકાના પ્લોટમાં ખસેડાયા છે. આ જગ્યાએ ગ્રાહકોના અભાવે ધંધો ઠપ હોવાથી ફેરિયા ભાડું ખર્ચીને આવે છે પણ બોણી વગર જ ઘરે પરત ફરે છે. અગાઉ દૈનિક 500થી 700 રૂપિયા કમાતા પરિવારો હવે ઘર ચલાવવા માટે સોનાના દાગીના ગિરવે મૂકવા કે ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બન્યા છે. પેઢીઓથી અહીં જ વેપાર કરતા હોવાથી તેઓ અન્ય કોઈ જગ્યાએ જવા માંગતા નથી અને પોતાની મૂળ જગ્યાએ પરત ફરવા ઈચ્છે છે. સરકારને વિનંતી છે કે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવી ગરીબ પરિવારોને ફરી ભદ્ર પ્લાઝામાં સ્થાયી કરવામાં આવે.

‘કરિયાણાના વેપારીને ચૂકવણી કરવા પણ દાગીના ગિરવે…’  

છેલ્લા 25 વર્ષથી ભદ્રમાં પથારો કરતા દેવીબેને જણાવ્યું કે, પાનકોર નાકાના પાર્કિંગમાં જગ્યા ફાળવાઈ હોવા છતાં ગ્રાહકોના અભાવે 25 દિવસથી કોઈ જ આવક થઈ નથી. આ કફોડી સ્થિતિમાં ઘર ચલાવવા અને કરિયાણાનું દેવું ચૂકવવા માટે ફેરિયાઓએ પોતાના દાગીના ગિરવે મૂકવા અથવા વેચવા પડ્યા છે. ટ્રાફિકની સમસ્યા અમારા કારણે નહીં પણ બહારથી આવેલા બીજા વેપારીઓને કારણે છે. અમને નડતરરૂપ થયા વગર તેમને મૂળ ફૂટપાથ પર 4 ફૂટની જગ્યામાં પરત બેસવા દેવામાં આવે, જેથી તેઓ ગૌરવભેર પોતાનું ગુજરાન ચલાવી શકે.

નોંધનીય છે કે, વિકાસ કાર્યો વખતે એકસાથે આટલા બધા નાગરિકોની રોજગારી છીનવાઈ જતી હોય, તો તેનો તંત્રએ તાકીદે ઉકેલ લાવવો જોઈએ. જો સરકાર રોજગારી આપી ના શકતી હોય, તો આ પ્રકારના સ્વ રોજગારી થકી પેટિયું રળતા લોકોની રોજીરોટી છીનવવાનો કોઈને અધિકાર નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here