અમદાવાદ શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંજે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલી 28 વર્ષીય યુવતી પર અજાણ્યા શખસે એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે હાલ પીડિતાના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

.હેલ્મેટ પહેરીને આવેલા શખસે કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર, નરોડાના ગેલેક્સી વિસ્તારમાં 28 વર્ષીય યુવતી પોતાની નોકરી પૂરી કરી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા શખસે યુવતી પર ઓચિંતા એસિડ જેવું કોઈ તીવ્ર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું. પ્રવાહી શરીરે અડતા જ યુવતી રસ્તા પર ઢળી પડી હતી અને અસહ્ય પીડાને કારણે ચીસાચીસ કરવા લાગી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોર અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજા
આ હુમલામાં યુવતીના હોઠ અને આંખના ભાગે પ્રવાહી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. સદનસીબે શરીરના અન્ય ભાગો પર પ્રવાહી પડ્યું નથી, પરંતુ ચહેરાના ભાગે થયેલી ઈજાઓને કારણે તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ભોગ બનનાર યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પારિવારિક વિખવાદમાં હુમલાની આશંકા
નરોડા પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેના માતા-પિતા વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિખવાદ ચાલી રહ્યો છે. પીડિતા અને તેની માતાએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલો તેના પિતા દ્વારા જ કરવામાં આવ્યો છે અથવા તો કોઈ અન્ય પાસે કરાવવામાં આવ્યો છે. પરંતુ ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હુમલાખોર બીજુ કોઈ નહીં પણ યુવતીનો પતિ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હાલ પીડિતાના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

