AHMEDABAD : બગોદરામાંથી દારૂની હાઈ પ્રોફાઈલ મહેફિલમાં દરોડા, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહિત 12ની ધરપકડ

0
80
meetarticle

બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કાણોતર ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર ચાલી રહેલી હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી બાવળા નગરપાલિકાના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરના પતિ સહિત 12 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બગોદરા પોલીસને બાતમી મળી હતી કે કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મ હાઉસ ખાતે કેટલાક શખ્સો દ્વારા દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.

પોલીસ જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચી ત્યારે ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક મહેફિલમાં હાજર તમામ 12 લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બાવળા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વર્તમાન કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસના કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી (રહે. સાર્થક સોસાયટી, બાવળા) , હરદીપસિંહ અજીતસિંહ પઢેરીયા (રહે. ઉમિયા પાર્ક સોસાયટી, બાવળા, મૂળ ઢેઢાલ ગામ)નો પણ સમાવેશ થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 35,87,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ત્રણ મોંઘી દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે. બગોદરા પોલીસે તમામ 12 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ રેડને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here