AHMEDABAD : શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

0
17
meetarticle

ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, મામલો ત્યાં શાંત પડવાને બદલે વધુ બિચક્યો હતો.

આરોપી કારચાલક પોતાની ગાડીમાંથી તીક્ષ્ણ છરી કાઢી લાવ્યો હતો અને સીધો જ દુકાનની અંદર ધસી ગયો હતો. આવેશમાં આવીને તેણે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પિતા-પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા.

પિતા પુત્ર ગંભીર

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકોમાં સહિષ્ણુતાનો અભાવ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here