AHMEDABAD : અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો

0
55
meetarticle

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શનિવારે (29મી નવેમ્બર) રાતે એક શખસે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. અહીં પત્ની અને બે પુત્રોએ પિતા સામે કરેલી પોલીસ ફરિયાદનું દુ:ખ લાગી આવતા ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી કૂદીને શખસે મોત વ્હાલું કર્યું હતું. મહત્ત્વનું છે કે, પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં વેલજીભાઇના કૂવા પાસે રહેતા સુરેશભાઇ બદાણીની શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની પત્ની સાથે કોઈ પારિવારિક કારણોસર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ તેમના પુત્ર પિયુષભાઇએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. આ પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુરેશભાઇ સામે તેમના પત્ની અને બે પુત્રોએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસકર્મીઓ પરિવારના ચારેય સભ્યોને વધુ કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પણ પતિ-પત્ની અને બે પુત્રો વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જે બાદ બંને પુત્રએ તેમના પિતા સુરેશભાઇ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદથી સુરેશભાઇને ભારે દુઃખ લાગી આવ્યું હતું. આ પછી સુરેશભાઇ અચાનક ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પર ચડી ગયા હતા અને ત્યાંથી નીચે કૂદકો માર્યો હતો. જોતજોતામાં પોલીસ સ્ટેશનની અંદર રહેલા કર્મીઓને ધડાકાભેર અવાજ સંભળાતા તેઓ બહાર દોડી આવ્યા હતા. અને સુરેશભાઇ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા.

આ પછી પોલીસકર્મીઓએ તાત્કાલિક સુરેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here