AHMEDABAD : અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ્યું

0
28
meetarticle

અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેજલપુરમાં રહેતાં એક યુવકને ફેસબુક પર જાહેરાત જોઈને મકાન ખરીદવું ભારે પડ્યું છે. ફેસબુક જાહેરાત જોઈને વાસણાના શખસ સાથે મકાન વેચાતું લેવાનું નક્કી કરી મકાન વેચી અને પીએફમાંથી રૂપિયા ઉપાડી ટૂકડે-ટૂકડે રૂપિયા ચૂકવ્યા હતા અને અંતે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થતાં યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનારા માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં રહેતા મયુર મહેતાએ ફેસબુક માર્કેટ પ્લેસ પર વાસણા સ્થિત શ્રેયશ એપાર્ટમેન્ટ, મકાન નંબર એફ/4ના વેચાણની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત જોયા બાદ તેણે મિતેષ ધ્રુવનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન મિતેષે જણાવ્યું કે આ મકાન તેની માતા ગીતાબેન ધ્રુવના નામે છે. આ પછી બંનેએ રૂપિયા 20,50,000માં મકાનની ડીલ કરી હતી. ત્યારબાદ મયુરે 15-6-2023ના રોજ બહાના પેટે 50,000 રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી 14/10/2023 સુધીમાં ટુકડે ટુકડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા મિતેષના બેંક ખાતામાં બીજા 4,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં.

આ પછી મકાન વેચનાર મિતેષે મકાન લેનારા મયુરને ફોન કરીને દિવાળી 2024 પહેલા બાકીના તમામ રૂપિયા પૂરા કરી દેવાનું જણાવ્યું હતું. એ પછી મયુરે પોતાનું સરખેજવાળું મકાન વેચીને અને પીએફમાંથી રૂપિયા ઉપાડીને ઓગષ્ટ 2024માં 5,50,000 રૂપિયા મિતેષના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા. આમ મયુરે, મિતેષ ધ્રુવના બેન્ક ખાતામાં કુલ 10,00,000 રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી દીધા હતા.

મયુરે બાકીના 10,50,000 રૂપિયા ચૂકવવા માટે પૂછ્યું અને બાનાખત મુજબ જરૂરી કાગળોની માંગણી કરી ત્યારે મિતેષે જુલાઇ 2025માં ડીલ પૂરી કરી કબજો આપતી વખતે જ કાગળો આપશે તેમ જણાવ્યું હતું. મુદત પૂરી થઈ ગયાના બે મહિના વીતી ગયા છતાં આરોપીઓએ કાગળો પણ આપ્યા નહીં અને બાકીની રકમ લેવા માટે નવો એકાઉન્ટ નંબર આપ્યો હતો. એટલું જ નહીં થોડાક સમય પછી મિતેષે ફોનથી મયુરને સ્પષ્ટ કહી દીધું હતું કે, હવે મકાન વેચાણ આપવાના નથી અને ફોન કે મેસેજ કરીને હેરાન કરે નહીં. જે બાદ મયુરે મિતેષ ધ્રુવ અને તેની માતા ગીતાબેન સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here