અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જુલાઈ 2023 માં 9 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અઢી વર્ષે આ કાર્યવાહી શક્ય બની છે. તથ્ય પટેલ આજે કોર્ટમાં હાજર થયો હતો.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ કેસમાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ઝડપી બની હતી. આજે જજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર લાગેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા અને તેમની સહી લીધી હતી. ચાર્જફ્રેમ થવાથી હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની ટ્રાયલ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં ઘટનાના 7 દિવસમાં જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને FSL ના 15 રિપોર્ટ સહિત મજબૂત પુરાવા રજૂ કરાયા હતા. તથ્ય સામે IPC ની કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ પુરાવાનો નાશ કરવા અને આરોપીને ભગાડવામાં મદદ કરવા બદલ ચાર્જફ્રેમ કરાયા છે.

