AHMEDABAD : એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ

0
46
meetarticle

અમદાવાદ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું મોટું રેકેટ સામે આવ્યું છે. બાતમીના આધારે દરોડા પાડીને 780 લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

બાતમીના આધારે દરોડા

અમદાવાદ એરપોર્ટ પરથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. LCBને ચોક્કસ બાતમી મળી હતી કે એરપોર્ટ નજીક ATFની ચોરી થઈ રહી છે. બાતમીના આધારે કાર્ગો ડેપો પાછળના ખુલ્લા મેદાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

એક રિક્ષા, ચોરી કરેલા ATFનો જથ્થો અને ડ્રાઈવરની ઘરપકડ

આ દરોડામાં ગાંધીનગરના રહેવાસી બે મુખ્ય આરોપીઓમાં ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ દેવનરસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપીઓ કાર્ગો ડેપો પાછળ રાહ જોઈ રહેલા ATF ભરેલા ટેન્કરને પંચર કરીને ફ્યુલની ચોરી કરતા હતા. અત્યાર સુધીમાં આ લોકોએ કુલ 780 લિટર ATFની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ચોરી માટે વપરાયેલી એક રિક્ષા અને ચોરી કરેલો ATFનો જથ્થો કબજે કર્યો છે. વધુમાં, ચોરીમાં સંડોવાયેલા ટેન્કરના ડ્રાઇવર મનદીપસિંહ વિજેન્દ્ર સિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ATF ચોરીના છેડા મોટા નેટવર્ક સુધી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુલ)ની ચોરી કરીને તેને આગળ છૂટકમાં વેચાણ કરતા હતા. મુખ્ય આરોપીઓ, ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, મેઘાણીનગરમાં દુકાન ધરાવે છે અને ત્યાં ધંધો કરે છે. પોલીસ હવે આ સમગ્ર રેકેટ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોની સંડોવણી છે, અને ચોરી કરેલું ATF કયા મોટા નેટવર્કમાં વેચવામાં આવતું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. હાલની તપાસમાં એરપોર્ટ સ્ટાફમાંથી કોઈની સંડોવણી હોવાનું સામે આવ્યું નથી. ભવિષ્યમાં આવી ચોરી ન થાય તે માટે કઈ રીતે યોગ્ય તકેદારી રાખી શકાય તેના પર તંત્રમાં વિચારણા ચાલી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here