AHMEDABAD : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા

0
62
meetarticle

ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક મોટી સફળતા મેળવી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ઓપરેટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 162 એટીએમ કાર્ડ અને 18 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે પોતે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે વાડજમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટના એક મકાનમાંથી કેટલીક વ્યક્તિઓ શંકાસ્પદ રીતે બેંક ખાતાઓ ખોલાવી તેની કિટ્સ ભેગી કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી નિર્દોષ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી અને તે ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડ તેમજ ઓનલાઇન ગેમ્બલિંગના કાળા નાણાંની હેરફેર કરવા માટે કરવામાં આવતો હતો.પોલીસે વાડજના સી/1 સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રોનીત ઉર્ફે ગણેશ ભિંદા અને લીના ભાટીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવીને બોગસ પેઢીઓના નામે કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. આ માટે તેઓ ખોટા રબર સ્ટેમ્પ અને MSME સર્ટિફિકેટ્સનો પણ ઉપયોગ કરતા હતા. એકવાર ખાતું ખુલી જાય એટલે તેની ચેકબુક અને ATM કાર્ડ મેળવીને રિષભ જૈન નામના સાગરીત મારફતે મુખ્ય સૂત્રધારોને કુરિયર કરી દેતા હતા. આ કામના બદલામાં તેમને ખાતા દીઠ રૂપિયા 10000થી વધુનું કમિશન મળતું હતું.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્ક છેક વિદેશ સુધી ફેલાયેલું છે. આરોપીઓ યુકે અને યુએસએના ઈન્ટરનેશનલ નંબરો દ્વારા ચાલતા વોટ્સએપ ગ્રુપો જેવા કે ‘MEGGIE GROUP’ અને ‘Professor bank Group’ સાથે જોડાયેલા હતા. ત્યાં બેઠેલા ‘માર્કો’ અને ‘વિન ડીઝલ’ જેવા કોડનેમ ધરાવતા શખ્સોના ઈશારે આ આખું રેકેટ ચાલતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 153 ફેડરલ બેંકના કાર્ડ સહિત કુલ 162 એટીએમ કાર્ડ, 41 સીમકાર્ડ, પાસબુક અને લેપટોપ મળી કુલ રૂપિયા 2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here