અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 26મી નવેમ્બરના રોજ તૂટેલા ગટરના ઢાંકણામાં એક્ટિવા ચાલક પટકાતા સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. છેલ્લા છ મહિનાથી આ ઢાંકણા તૂટેલા હોવા છતાં અને સ્થાનિકોની ત્રણ-ત્રણ વખતની ફરિયાદ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે AMCના ‘ઉડાવ’ જવાબોની પોલ ખોલી છે.

અમદાવાદ શહેરમાં વિકાસના દાવા કરતી AMCની પોલ કુબેરનગર વિસ્તારમાં ખુલી ગઈ છે, જ્યાં તંત્રની બેદરકારીએ એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે. 26મી નવેમ્બરના રોજ થયેલી આ કરૂણ ઘટનામાં, એક એક્ટિવા ચાલક રસ્તા પર ખુલ્લી પડેલી ગટરના તૂટેલા ઢાંકણામાં પટકાયો હતો, સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી આ ગટરના ઢાંકણા તૂટેલા હાલતમાં છે અને આ અંગે તેમણે કોર્પોરેશનમાં અનેક વખત, જેમાં ત્રણ સત્તાવાર ફરિયાદો પણ સામેલ છે, રજૂઆતો કરી હતી. તેમ છતાં, કોર્પોરેશનના અધિકારીઓએ ‘અમારા હદમાં ના આવે’ તેવો ઉડાવ અને બેજવાબદાર જવાબ આપીને કાર્યવાહી ટાળી હતી.અંતે એક વ્યક્તિનો જીવ લીધો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે દર્શાવે છે કે તંત્રની નિષ્ક્રિયતા જ આ મોતનું મુખ્ય કારણ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ દુર્ઘટના અને એક વ્યક્તિના મોત બાદ જ તંત્રની આંખ ખુલી અને તેમણે તાત્કાલિક તે ખાડા પર માત્ર કોર્ડન મૂક્યું. જો આ કોર્ડન છ મહિના પહેલાં કે ફરિયાદ મળ્યા પછી મૂકવામાં આવ્યું હોત, તો કદાચ આ વ્યક્તિનો જીવ બચી ગયો હોત. સ્થાનિકોમાં AMCની આ બેદરકારી અને સંવેદનહીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

