અમદાવાદના ખાડીયા, દરિયાપુર ઉપરાંત અસારવા વોર્ડના અનેક વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રદૂષિત પાણી આવવાની સમસ્યાથી જે તે વોર્ડના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી નજીક આવતા પદાધિકારીઓને લોકોની સમસ્યા ઉકેલવાનુ યાદ આવ્યું છે. શુક્રવારે (27મી નવેમ્બર) મળનારી પાણી સમિતિની બેઠકમાં આ ત્રણ વોર્ડમાં પાણીમાં આવતા પોલ્યુશનની સમસ્યા નિવારવા પાણી અને ડ્રેનેજની કામગીરી કરાવવા 160 કરોડ રૂપિયાની અલગ અલગ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે મધ્યઝોનના તમામ વોર્ડમાં પચાસ વર્ષથી પણ વધુ જુની એવી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા આપેલી સુચનાનો હવે અમલ કરાશે.

3 વર્ષ પહેલા પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા આપેલી સૂચનાનો હવે અમલ કરાશે
દરિયાપુર વોર્ડમાં પોલ્યુશન નિવારવા અંગેની કામગીરી કરાવવા અંદાજીત ભાવથી 26.91 ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટર મીરા કન્સ્ટ્રકશનને 16.52 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. ખાડિયા વોર્ડમાં પાણીની લાઈનનું નવું નેટવર્ક નાંખવા, નવી ડ્રેનેજ લાઈન નાંખવા, અંદાજિત ભાવથી 27.09 ટકા વધુ ભાવથી કોન્ટ્રાકર ડી.બી. ઈન્ફ્રાટેકને 11.08 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. દરિયાપુર વોર્ડમાં અલગ અલગ જગ્યાએ પાણીની લાઈન બદલવા અંદાજિત ભાવથી 27.45 ટકા વધુ ભાવથી એટલે કે 10.21 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. આજ વોર્ડમાં આ જ કોન્ટ્રાકટરપાસે ડ્રેનેજ સંબંધી કામગીરી અંદાજિત ભાવથી 27.27 ટકા વધુ ભાવથી એટલે કે 11.25 કરોડ રૂપિયાના ખર્ચથી અપાશે.
ખાડીયા વોર્ડમા અલગ અલગ જગ્યાએ રોડ તોડી નવી ડ્રેનેજલાઈન નાંખવા કોન્ટ્રાકટર ડી બી ઈન્ફ્રાટેકને અંદાજિત ભાવથી 27.18 ટકા વધુ ભાવથી એટલે કે 11.28 કરોડ રૂપિયાના ખર્ચે કામ અપાશે. આ કોન્ટ્રાક્ટરને આ વોર્ડમાં પાર્ટ-ત્રણમાં આ કામગીરી કરવા અંદાજિત ભાવથી 27.27 ટકા વધુ ભાવથી એટલે કે 26.70 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી આપવા દરખાસ્ત કમિટી સમક્ષ મંજુરી માટે મુકાઈ છે.
અસારવા વોર્ડમાં પાણી-ડ્રેનેજની કામગીરી માટે 47 કરોડ રૂપિયા ખર્ચ કરાશે
ખાડીયા અને દરિયાપુર વોર્ડની જેમ જ અસારવા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની કામગીરી કરાવવા કોન્ટ્રાકટર શિવમ બિલ્ડર્સને અંદાજીત ભાવથી 23.77 ટકા વધુ ભાવથી એટલે કે 31.43 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે.આ કોન્ટ્રાકટરને પાર્ટ-ત્રણમા આ પ્રકારની કામગીરી કરવા અંદાજીત ભાવથી 18.77 ટકા વધુ ભાવથી એટલે કે 9.30 કરોડ રૂપિયાના ખર્ચથી કામ અપાશે. પાર્ટ-ટુમાં આ પ્રકારની કામગીરી કરવા કોન્ટ્રાકટર મારુતિ ટ્રેડીંગ પ્રા.લી.ને અંદાજિત ભાવથી 26 ટકા વધુ ભાવથી એટલે કે 8.64 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી અપાશે.
વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનની કામગીરી પહેલી ડિસેમ્બર સુધીમા પુરી કરાશે
અમદાવાદના બોપલ, શિલજ અને શેલા સહિતના વિસ્તારોમાં ડ્રેનેજના પાણીબેક મારવાની સમસ્યા હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફતેવાડી વિસ્તારમાં 168 કરોડ રૂપિયાના ખર્ચથી 150 લાખ લીટર પર ડે પાણીને ટ્રીટ કરવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે ખિલારી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત મંજુર કરાઈ છે. ચેરમેનના કહેવા મુજબ, પહેલી ડીસેમ્બર-25 સુધીમાં વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનની કામગીરી પુરી થઈ જશે. જે પછી શેલા સહિતના વિસ્તારોમાંથી આવતુ ડ્રેનેજનુ પાણી આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરી ફતેવાડી કેનાલ મારફતે સાબરમતી નદીમાં છોડવામાં આવશે.

