અમદાવાદના ખોખરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાનો હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં હત્યારો બીજું કોઈ નહીં પરંતુ દોઢ વર્ષ પહેલા વૃદ્ધાની પાડોશમાં રહેતા યુવકે લૂંટના ઈરાદે ગળું દબાવીને હત્યા નીપજવાની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટના પ્રયાસ દરમિયાન વૃદ્ધ મહિલાની હત્યા કરનારા યુવકની ધરપકડ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 11 સપ્ટેમ્બરના રોજ બની હતી. ખોખરા ખાતે રહેતી ધનીબેન રામાભાઈ વાઘેલા (ઉં.વ.65)નો મૃતદેહ તેમના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મહિલાના સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાથી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચોરીના હેતુથી હત્યા નીપજાવી છે.
પોલીસે શું કહ્યું?
તપાસ દરમિયાન પોલીસે સ્થાનિક રહેવાસી સચિન ભૂપેન્દ્રભાઈ ઠાકોરને મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને બે મહિનાનું મકાનનું ભાડું ભરવાનું બાકી હતું, ઉપરાંત તેની જન્મદિવસની ઉજવણી માટે અને ધંધો ન હોવાથી પૈસાની વ્યવસ્થા કરવા માટે આ ગુનો આચર્યો હતો. મૃતક મહિલા એકલી રહેતી હોવાનું અને તેમને દર મહિને પેન્શન મળતું હોવાનું આરોપી જાણતો હતો.
ઝોન 5 ડીસીપીએ જણાવ્યું હતું કે, આરોપી મહિલાના સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરવાના ઇરાદાથી તેમના ઘરે ગયો હતો. જોકે, આ દરમિયાન તેણે મહિલાનું ગળું વધુ પડતું દબાવાના કારણે મહિલાનું મોત થયું હતું.ઘટનાને અંજામ આપીને આરોપી સ્થળેથી ભાગી ગયો હતો. ટેકનિકલ દેખરેખ અને સ્થાનિક ગુપ્ત માહિતીના આધારે, ખોખરા પોલીસે સચિન ઠાકોરની ધરપકડ કરી છે. ચોરી કરેલી કિંમતી ચીજવસ્તુઓ સહિત હત્યા અને ચોરી સાથે સંકળાયેલા પુરાવા મળી આવ્યા છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યા અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

