શહેરના ચાંદખેડામાં ગુના નિવારણ શાખાના સ્ટાફે સ્થાનિક બુટલેગરના ઘરે દરોડો પાડીને છુપાવવામાં આવેલો રૂપિયા આઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા બુટલેગરને દારૂ સપ્લાય કરનાર પોલીસથી બચવા માટે અમેરિકાના સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. અમદાવાદ પોલીસની ગુના નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડામાં શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતો પૃથ્વી પઢિયાર નામનો બુટલેગર છેલ્લાં ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગ્રાહકોને દારૂ સપ્લાય કરે છે. જેના આધારે પીઆઇ જે પી જાડેજા અને સ્ટાફે શનિવારે સાંજના સમયે વોચ ગોઠવીને સ્કૂટર લઇને જતા પૃથ્વી પઢિયારને રોકીને તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે તેના ઘરે તપાસ કરતા બાથરૂમમાં છુપાવેલો રૂપિયા આઠ લાખની કિંમતની ૬૦૦ જેટલી દારૂની બોટલો મળી આવી હતી

તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને ચાંદખેડા જનતાનગરમાં રહેતા ટ્વીન્કલ સરદાર નામનો બુટલેગર નિયમિત રીતે દારૂનો મોટો જથ્થો આપતો હતો. સૌથી નવાઇની વાત એ છે કે ટ્વીન્કલ નામનો બુટલેગર પોલીસથી બચવા માટે નોર્થ અમેરિકાનો કોડ ધરાવતું સીમ કાર્ડ વાપરતો હતો અને મોટાભાગે તે વોટ્સએપથી સંપર્કમાં રહેતો હતો. જે ચાંદખેડાના અન્ય સ્થાનિક બુટલેગરો સાથે પણ સંકળાયેલો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

