રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદવાદમાં સોલા હાઇકોર્ટ પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરોએ પોલીસને છેતરવા માટે બોલેરો પિક-અપ વાહનની ટ્રોલીમાં ચોર ખાનું બનાવ્યું હતું, જો કે, પોલીસે તપાસ કરતાં આ કરામત પકડી પાડી હતી.

ગુપ્ત ખાનામાં છુપાવેલી હતી 225 બોટલ
મળતી માહિતી અનુસાર, સોલા પોલીસની ટીમે રવિવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં બોલેરો પિક-અપ વાહનને અટકાવ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ વાહન ખાલી જણાતું હતું, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની ટ્રોલીના તળિયે ફેરફાર કરીને એક છુપાયેલું ખાનું બનાવવામાં આવ્યું હતું. આ ખાનામાંથી પોલીસને વિદેશી દારૂની કુલ 225 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 2.61 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
રાજસ્થાનના શખ્સની ધરપકડ
પોલીસે આ મામલે નરસિંહરામની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તે રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવીને અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો. સોલા હાઇકોર્ટ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં કોની પાસેથી મેળવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
