AHMEDABAD : છઠ્ઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજના છઠ્ઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન

0
44
meetarticle

ઉત્તર ભારતમાં દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠ્ઠના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં વસવાટ કરતાં હજારો ઉત્તર ભારતીયો માટે પણ છઠ્ઠ મહાપૂજાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળો છઠ્ઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ્ઠ પૂજાના સ્થળો, સાબરમતી રિવરફ્રન્ટ પર જોરશોરથી તૈયાર ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પૂજા ઘાટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આવતી કાલે (26 ઑક્ટોબર) છઠ્ઠના દિવસે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરુઆત થશે.

ખાસ કરીને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે દર વર્ષે 5000થી વધુ શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.શ્રદ્ધાળુઓની સુવિધા માટે, ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સુધીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠની પૂજામાં વ્રતધારીઓ દ્વારા ઊગતા સૂર્યની આરાધના અને પૂજા કરવામાં આવે છે.

સૌ પ્રથમ ભગવાન રામ અને સીતા કરી છઠ્ઠ પૂજા

નોંધનીય છે કે શહેરના પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે. 

શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે 

આ વર્ષે 26 ઑક્ટોબરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્ત્વિક ભોજન સાથે છઠ્ઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે ‘છોટી છઠ્ઠી’ મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે રવિવારે બડી છઠ્ઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઊભા રહીને આથમતા સૂર્ય અને છઠ્ઠી માતાની પૂજા કરાશે. 

મેદાનોમાં પાણીના કુંડ બનાવીને પૂજા કરાશે 

પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઇન્દિરા બ્રિજના છઠ્ઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here