અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં આવેલા કપડાના શો રૂમના ચેજીંગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાનો વાંધાજનક વિડીયો બનાવ્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે યુવકની ધરપકડ કરીને તપાસ કરતા મોબાઇલમાં કેટલાંક વિડીયો મળી આવ્યા હતા.

મોબાઇલમાંથી અનેક વિડીયો મળી આવ્યા
સેટેલાઇટમાં રહેતી મહિલા બુધવારે બપોરના સમયે તેના પતિ અને14 વર્ષની પુત્રી સાથે પેલેડીયમ મોલમાં આવેલા મેક્સ શોરૂમમાં કપડા લેવા માટે ગયા હતા. જ્યાં તેમની દીકરી કેટલાંક કપડા પસંદ કરીને ટ્રાયલ રૂમમાં ગઇ હતી. ત્યારે થોડીવાર બાદ તેનું ઘ્યાન નીચે જતા જોયુ તો કોઇ વ્યક્તિ ફ્લોર પરથી મોબાઇલ ટ્રાયલ રૂમમાં મુકીને વિડીયો બનાવતો હતો. જેથી સગીરાએ ફોન છીનવીને બહાર આવીને સમગ્ર બાબતે તેના માતા પિતાને કરી હતી. તેમણે મોબાઇલમાં જોતા ટ્રાયલ રૂમના ચાર વિડીયો મળી આવ્યા હતા.
આ દરમિયાન રવિ પ્રજાપતિ (રહે. મુનિસુવ્રત સોસાયટી, આદીનાનગર ઓઢવ) ફોન લેવા માટે આવ્યો હતો. જેથી સગીરાના પિતાએ તેને પકડીને ફ્લોર મેનેજરને જાણ કરી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા મોલમાં પોલીસ આવી હતી અને રવિ પ્રજાપતિની અટકાયત કરીને તેને વસ્ત્રાપુર લઇ જવાયો હતો. જ્યાં સગીરાના માતાની ફરિયાદને આધારે પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરીને વઘુ તપાસ શરૂ કરી હતી.

