અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર યોજાયેલી એક બર્થડે પાર્ટીમાં મુંબઈના ડાન્સ બાર જેવો માહોલ ઊભો થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. બહારથી બોલાવેલી ડાન્સર સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવકે અશ્લીલ હરકતો અને બીભત્સ ચેનચાળા કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે વાઈરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પરંતુ કિન્નર હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?
સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો કુબેરનગર વિસ્તારનો હોવાનું અને ત્યાંના રહેવાસી મુકેશ મકવાણાના જન્મદિવસની પાર્ટીનો હોવાનું સામે આવ્યું હતું. 18મી સપ્ટેમ્બર 2025ના રોજ જાહેરમાં બર્થડે પાર્ટીમાં બહારથી બોલાવેલી કિન્નર સાથે મોટી સંખ્યામાં યુવકો ડાન્સ કરી રહી હતી. એટલું જ નહીં, ડાન્સ દરમિયાન મુકેશ મકવાણા અને કિન્નરને જાહેરમાં બીભત્સ ચેનચાળા અને હરકતો કરતા જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયા વાઈરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા મુકેશ મકવાણા અને મુંબઈની એક કિન્નાર સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે તાત્કાલિક પગલાં ભર્યાં
જાહેરમાં રસ્તા પર આ રીતે બર્થડે પાર્ટીની ઉજવણી અને બીભત્સ ચેનચાળા કરતા યુવકનો વીડિયો વાઈરલ થતાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચંપાવતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનાર મુકેશ મકવાણાને ઝડપી પાડ્યો હતો. તેની સામે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુકેશ મકવાણાએ તેના ભાઈના પરિચયથી કિન્નર સાયબા અંસારીને જન્મદિવસની ઉજવણી માટે મુંબઈથી અમદાવાદ બોલાવી હતી.

